02 February, 2025 07:46 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદી
ભારતનાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ગઈ કાલે બજેટ રજૂ કર્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘આ ફોર્સ મલ્ટિપ્લાયર બજેટ છે; જેનાથી બચત, રોકાણ અને વપરાશમાં વૃદ્ધિ થશે. બજેટમાં સરકારની તિજોરી ભરવા પર નહીં, પણ લોકોનાં ખિસ્સાં ભરવા પર ધ્યાન રાખવામાં આવ્યું છે. ૧૪૦ કરોડ ભારતીયોની આકાંક્ષાઓને પ્રતિબંબિત કરનારું અને દરેક નાગરિકના સપનાને સાકાર કરનારું બજેટ આપવા માટે નાણાપ્રધાન નિર્મલા સીતારમણને અભિનંદન.
વડા પ્રધાનની પ્રતિક્રિયાના મહત્ત્વના અંશઃ
ઍટમિક એનર્જીમાં પ્રાઇવેટ સેક્ટરને પ્રોત્સાહિત કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. બજેટમાં આની જાહેરાત કરવામાં આવી છે એટલે પરમાણુ ઊર્જા ભવિષ્યમાં દેશના વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપશે.
બજેટમાં સુધારા પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે તમામ રોજગાર ક્ષેત્રોને પ્રાથમિકતા આપવામાં આવી છે. આનાથી ભારતમાં મોટા પ્રમાણમાં નવો રોજગાર નિર્માણ થશે.
‘વિકાસ ભી, વિરાસત ભી’ મંત્ર સાથે દેશ પ્રગતિ કરી રહ્યો છે. બજેટમાં જ્ઞાન ભારતમ મિશન શરૂ કરીને એક કરોડ હસ્તપ્રતોનું જતન કરવા માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય ભારતીય જ્ઞાન પરંપરાથી પ્રેરિત એક રાષ્ટ્રીય ડિજિટલ ભંડારનું પણ નિર્માણ કરવામાં આવશે.
પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજનામાં ૧૦૦ જિલ્લામાં સિંચાઈ અને માળખાગત વિકાસ કરવામાં આવશે. કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટ ત્રણ લાખ રૂપિયાથી પાંચ લાખ રૂપિયા કરવાથી ખેડૂતોને મદદરૂપ થશે.
ઇન્કમ-ટૅક્સમાં ઇન્કમના દરેક સ્લૅબમાં રાહત જાહેર કરવામાં આવી છે એનાથી નવી જૉબ મેળવનારા યુવાઓની સાથે મધ્યમ વર્ગને લાભ થશે.
બજેટમાં ઑન્ટ્રપ્રનર, MSME અને નાના ઉદ્યોગના ઉત્પાદનમાં વધારો કરવા માટે ૩૬૦ ડિગ્રી ફોકસ કરવામાં આવ્યું છે. ક્લીન ટેક, લેધર, ફુટવેઅર અને રમકડાંના ઉત્પાદનને વૈશ્વિક બજારમાં ચમકાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.