રિફૉર્મ, પર્ફોર્મ અને ટ્રાન્સફૉર્મ કરવા માટે સરકાર પ્રતિબદ્ધ છે એ નિર્ધાર દેખાય છે

02 February, 2025 07:43 AM IST  |  Mumbai | Nilesh Shah

આર્થિક વિકાસની બ્લુપ્રિન્ટ જેવું આ બજેટ, ભારતને વૈશ્વિક સ્તરે આર્થિક મહાસત્તા બનાવવાની દિશામાં આગળ લઈ જનારું બજેટ

ગઈ કાલે કલકત્તામાં બજેટને વધાવી લેતા બ્રોકરો અને શૅરધારકો.

કૃષિ, MSME, ગ્રીન એનર્જી અને નિકાસ પર ફોકસ કરતા આ બજેટમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે દરેક સેક્શન અને સેક્ટરને કંઈક ને કંઈક ફાળવીને લાંબા ગાળાની ફાઇનૅન્શિયલ સ્થિરતા ઊભી કરવાનો પ્રયાસ કર્યો છે ઃ બજેટનું લક્ષ્ય આર્થિક વિકાસને વેગ આપવાનું છે: મિડલ ક્લાસને રાહત આપીને માગ વધારવાનો વ્યૂહ અપનાવવા સાથે રાજકોષીય સંતુલન-શિસ્ત જાળવીને આગળ વધવાનો અભિગમ છે

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે રજૂ કરેલું નાણાકીય વર્ષ ૨૦૨૫-’૨૬ માટેનું કેન્દ્રીય બજેટ પ્રગતિશીલ છે. સરકાર સુધારાઓ (રિફૉર્મ) કરવા, સારી કામગીરી કરવા (પર્ફોર્મ) અને પરિવર્તન (ટ્રાન્સફૉર્મ) લાવવા પ્રતિબદ્ધ છે એ નિર્ધાર એમાં ફરી એક વાર સ્પષ્ટ થઈ રહ્યો છે. દેશના અર્થતંત્રની ગતિ ધીમી પડી રહી છે એવા સમયે માગ વધારવાની અને સાથોસાથ રાજકોષીય પરિસ્થિતિ સંભાળી લેવાની જરૂર છે. આવી પાર્શ્વભૂમાં રજૂ કરાયેલું બજેટ નાજુક સંતુલન જાળવવામાં સફળ રહ્યું છે. મધ્યમ વર્ગના હાથમાં વધુ નાણાં રહે અને એ વધુ ખર્ચ કરી શકે એ દૃષ્ટિએ કરવેરાના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને એની સાથે-સાથે રાજકોષીય કન્સોલિડેશન કરવામાં આવ્યું છે. આમ બન્ને મોરચે બાજી સંભાળી લઈને સામાજિક સ્તરે તમામ ઘટકોની જરૂરિયાતો પૂરી કરવા માટેનાં પગલાં ભરવાની સાથે-સાથે લાંબા ગાળે આર્થિક સ્થિરતા રહે એની તકેદારી લેવામાં આવી છે.

નાણાકીય વર્ષ ૨૦૨૪-’૨૫ માટેની રાજકોષીય ખાધ કુલ રાષ્ટ્રીય પેદાશના ૪.૮ ટકા જેટલી રહી છે જેને ઘટાડીને ૨૦૨૫-’૨૬માં ૪.૪ ટકાના સ્તરે લવાશે એવું નક્કી કરીને સરકારે રાજકોષીય સૂઝબૂઝ દર્શાવી છે. દેશના વિકાસનો ભોગ આપ્યા વગર રાજકોષીય શિસ્ત જળવાઈ રહે એવી વ્યાપક નીતિના ભાગરૂપે સરકારે આ પગલું ભર્યું છે. બજેટમાં દર્શાવાયા મુજબ નાણાકીય વર્ષ ૨૦૨૫-’૨૬માં સરકારનું ચોખ્ખું ધિરાણ ૧૧.૫ લાખ કરોડ રૂપિયા રહેશે. આ પ્રમાણ બજારની ધારણા મુજબનું જ છે.

આગામી પાંચ વર્ષની રૂપરેખા

નોંધનીય છે કે નાણાપ્રધાને આગામી પાંચ વર્ષ માટેની રાજકોષીય રૂપરેખા ઘડી કાઢી છે, જેના હેઠળ નાણાકીય વર્ષ ૨૦૩૦-’૩૧ સુધીમાં દેશના કુલ ધિરાણનું પ્રમાણ ઘટાડીને કુલ રાષ્ટ્રીય પેદાશના ૬-૭ ટકા સુધી લાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ રીતે રાજકોષીય મજબૂતી ટકી રહેશે અને નીતિના ઘડનારાઓ જરૂર પડ્યે વિકાસને વેગ આપનારા ખર્ચ કરી શકશે. એકંદરે આ બજેટ લાંબા ગાળા માટે રાજકોષીય સમજદારી રાખવાની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

નાણાપ્રધાને મધ્યમ વર્ગના પરિવારો માટે આવકવેરામાં રાહતની જાહેરાત કરી છે, જેનું મૂલ્ય ૧૨ અબજ ડૉલર અર્થાત્ કુલ રાષ્ટ્રીય પેદાશના ૦.૩ ટકા જેટલું થાય છે. આ રકમથી શહેરોમાં વપરાશ તથા બચત મોટા પાયે વધે એવી ધારણા છે. બજેટમાં ટૅક્સ ડિડક્ટેડ ઍટ સોર્સ (TDS) અને ટૅક્સ કલેક્ટેડ ઍટ સોર્સ (TCS)ના દરને પણ વાજબી-વ્યવહારુ બનાવવામાં આવ્યા છે, જેને કારણે નાના કરદાતાઓ આસાનીથી નિયમોનું પાલન કરી શકશે. લોકો પરાણે નહીં, પરંતુ સ્વેચ્છાએ નિયમોનું પાલન કરવા માંડે એ દૃષ્ટિએ વ્યક્તિગત કરદાતાઓ અને નાના બિઝનેસ પરનો કરવેરાનો બોજ ઘટાડવામાં આવ્યો છે.

મૂડીગત ખર્ચનું લક્ષ્ય

બજેટના આંકડાઓ પરથી જોઈ શકાય છે કે કેન્દ્ર સરકારનો કુલ મૂડીગત ખર્ચ (કૅપિટલ એક્સપેન્ડિચર) ૨૦૨૪-’૨૫માં ૮ ટકા વધારાયો હતો, જે હવે ૨૦૨૫-’૨૬માં ૧૦ ટકા વધારવામાં આવશે. બજેટમાં કરાયેલી જોગવાઈઓ ઉપરાંતનાં સંસાધનો દ્વારા મળતાં નાણાં ઉમેરીને કુલ મૂડીગત ખર્ચ આવતા નાણાકીય વર્ષમાં ૧૧ ટકા વધે એવી સંભાવના છે. ૨૦૨૪-’૨૫માં આ રીતે થયેલા ખર્ચમાં ૭ ટકાનો વધારો થયો હતો. પ્રસ્તાવિત મૂડીગત ખર્ચમાં રોડ અને રેલવે માટેના ખર્ચ (વધારાનાં સંસાધનો સહિત)માં વૃદ્ધિ થઈ નથી. જોકે સંરક્ષણ માટેનો મૂડીગત ખર્ચ ૨૦૨૫-’૨૬માં વર્ષાનુવર્ષ ધોરણે ૧૩ ટકા વધવાનો અંદાજ છે. પાછલા નાણાકીય વર્ષે આ વૃદ્ધિ ૪ ટકા હતી. ટૂંકમાં ૨૦૨૫-’૨૬માં સંરક્ષણ, આવાસ, ઊર્જા અને પેટ્રોલિયમ ક્ષેત્રે વધારે મૂડીગત ખર્ચ થવાનો છે. આ ખર્ચ જે વાસ્તવમાં રોકાણ કહી શકાય એના દ્વારા સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરશે, રોજગારનું નિર્માણ કરશે અને અર્થતંત્રનો વિકાસ ઝડપી બનાવશે.

કૃષિ-ગ્રામીણ વિકાસ

આ બજેટમાં કૃષિ અને ગ્રામીણ સ્તરે સમૃદ્ધિ લાવવાનું ખાસ ધ્યેય રાખવામાં આવ્યું છે. સરકારે કૃષિની ઊપજ વધારવા, સિંચાઈની સુવિધા વધારવા તથા કૃષિની પર્યાવરણને અનુકૂળ પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા માટે એવા ૧૦૦ જિલ્લાઓની પસંદગી કરી છે જ્યાં ઉત્પાદકતા ઓછી છે. એના માટે પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજના જાહેર કરવામાં આવી છે. આ પહેલ દ્વારા કૃષિની ઊપજ વધશે અને ખેડૂતોને સહેલાઈથી ધિરાણ પણ મળી શકશે. યોજનાનો લાભ ૧.૭ કરોડ ખેડૂતોને પહોંચાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

MSME અને રોજગાર-સર્જન

દેશના આર્થિક વિકાસ માટે તથા રોજગાર-સર્જન માટે માઇક્રો, સ્માલ, ઍન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (MSME)ની ભૂમિકા ઘણી મહત્ત્વપૂર્ણ હોય છે એ બાબતની ખાસ નોંધ કરનારી જોગવાઈઓ બજેટમાં કરવામાં આવી છે. MSMEની વૃદ્ધિ માટે પ્રોત્સાહન મળે એ દૃષ્ટિએ MSMEના વર્ગીકરણના માપદંડમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વર્ગીકરણ માટે રોકાણ અને ટર્નઓવરની મર્યાદા હાલની તુલનાએ અનુક્રમે ૨.૫ ગણી અને બે ગણી કરી દેવામાં આવી છે. માઇક્રો અને સ્મૉલ એન્ટરપ્રાઇઝિસ માટેનું ક્રેડિટ ગૅરન્ટીનું કવચ વિસ્તારવામાં આવ્યું છે. એના દ્વારા આગામી પાંચ વર્ષમાં આવા એકમોને વધારાનું ૧.૫ લાખ કરોડ રૂપિયાનું ધિરાણ મળી શકશે. એ ઉપરાંત માઇક્રો એન્ટરપ્રાઇઝિસ માટે પાંચ લાખ રૂપિયાની મર્યાદા ધરાવતાં કસ્ટમાઇઝ્‍ડ ક્રેડિટ કાર્ડ શરૂ કરવામાં આવ્યાં હોવાથી પ્રથમ વર્ષમાં ૧૦ લાખ ખેડૂતોને લાભ થશે. પ્રથમ વારના ઉદ્યમીઓ (ઍન્ટ્રપ્રનર્સ) માટેની નવી યોજના હેઠળ મહિલા ઉદ્યમીઓ તથા અનુસૂચિત જાતિ અને જનજાતિના ઉદ્યમીઓને બે-બે કરોડ રૂપિયા સુધીની ટર્મ લોન ઑફર
કરવામાં આવશે. આ રીતે વધુ પ્રમાણમાં લોકોને આવરી લેવામાં આવશે અને નવસર્જન વધશે.

પર્યાવરણની કાળજીનો અભિગમ

ભારત પર્યાવરણની જાળવણી માટે પ્રતિબદ્ધ છે. આ પ્રતિબદ્ધતા દર્શાવીને નાણાપ્રધાને હરિત ઊર્જા (ગ્રીન એનર્જી)નો ઉપયોગ વધારવા પર ભાર મૂક્યો છે. તેમણે ૨૦૪૭ સુધીમાં ૧૦૦ ગીગાવૉટ અણુઊર્જાના નિર્માણનું લક્ષ્ય જાહેર કર્યું છે. આ બજેટમાં સ્વચ્છ ઊર્જાને લગતાં ઉત્પાદનો માટે સહાય જાહેર કરવામાં આવી છે. આ ઉત્પાદનોમાં સૌરઊર્જા માટેના PV સેલ્સ, EV બૅટરી અને પવનચક્કીનો સમાવેશ થાય છે. સરકારે જલ જીવન મિશનની મુદત વધારીને ૨૦૨૮ સુધીની કરી દીધી છે. દરેક ગ્રામીણ ઘરમાં પીવાનું શુદ્ધ પાણી નળ દ્વારા મળતું થાય અને સસ્ટેનેબલ જળ સંરક્ષણ થાય એવા ઉદ્દેશને સાકાર કરવા માટે આ મિશન અર્થે વધુ ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે.

વૈશ્વિક વેપારમાં ભારતનું સ્થાન

ભારતને વૈશ્વિક વેપારમાં અગ્રણી સ્થાન અપાવવાનો નિર્ધાર પણ બજેટમાં વ્યક્ત કરવામાં આવ્યો છે. એક્સપોર્ટ પ્રમોશન મિશનની સ્થાપના કરાવાની હોવાથી નિકાસ માટેનું ધિરાણ સહેલાઈથી ઉપલબ્ધ થશે અને વિદેશી બજારોમાં ટૅરિફ સિવાયના જે અંતરાયો હશે એ દૂર કરાવવામાં પણ મદદ મળશે. એ ઉપરાંત આંતરરાષ્ટ્રીય વેપાર માટેના ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે ભારત ટ્રેડ નેટની શરૂઆત કરવામાં આવવાની હોવાથી એના દ્વારા વેપારને લગતા દસ્તાવેજો બનાવવાની અને ધિરાણ પ્રાપ્ત કરવાની પ્રક્રિયા સહેલી બનશે.

વિવિધ ઉદ્યોગોના વિકાસ અર્થે

સરકારે કેટલાક મહત્ત્વપૂર્ણ ઉદ્યોગોના વિકાસ અર્થે ચોક્કસ પગલાં ભર્યાં છે. ટેક્સટાઇલ્સ ક્ષેત્રે ટેક્નિકલ ટેક્સટાઇલ્સનાં સ્થાનિક ઉત્પાદન માટે સહયોગ આપવામાં આવશે. શટલ-લેસ લૂમ્સ માટે ડ્યુટીમાં એક્ઝમ્પ્શન લાગુ કરવામાં આવ્યું હોવાથી આ લૂમ્સની સ્પર્ધાત્મકતા વધી શકશે. ઇલેક્ટ્રૉનિક્સ ક્ષેત્રે બજેટે મોબાઇલ ફોનના અને ઇલેક્ટ્રિક વેહિકલની બૅટરીના ઉત્પાદન માટે આવશ્યક કમ્પોનન્ટ્સ પરની કસ્ટમ્સ ડ્યુટી ઘટાડી છે. ઇન્ટરૅક્ટિવ ફ્લૅટ પૅનલ ડિસ્પ્લે જેવી ફિનિશ્ડ પ્રોડક્ટ્સ પરની ડ્યુટી વધારીને મેક ઇન ઇન્ડિયા યોજનાને સહયોગ આપવામાં આવ્યો છે.

આર્થિક મહાસત્તાની દિશામાં 

બજેટમાં કરાયેલી રાજકોષીય જાહેરાતો અને રિઝર્વ બૅન્કે ઇન્ટર-બૅન્ક લિક્વિડિટીની કમી દૂર કરવા માટે હાલમાં લીધેલાં પગલાંને કારણે નાણાકીય સ્થિતિ સુધરવાની શક્યતા છે. એ ઉપરાંત માળખાકીય સુધારાઓ લાવવા માટે સતત પગલાં ભરવામાં આવી રહ્યાં છે. આમ નાણાકીય વર્ષ ૨૦૨૫-’૨૬  અને ૨૦૨૬-’૨૭માં દેશની આર્થિક વૃદ્ધિનો દર ૬.૫થી ૭ ટકા સુધી પહોંચવાની આશા છે.

છેલ્લે એટલું જ કહેવાનું કે આ બજેટ રાજકોષીય સમજદારીની સાથે-સાથે સર્વાંગી વિકાસ લાવીને દેશના અર્થતંત્રની વૃદ્ધિ કરી શકાય એ માટેની સર્વગ્રાહી રૂપરેખા ધરાવે છે. કૃષિ, MSME, હરિત ઊર્જા અને નિકાસ પર લક્ષ આપીને સરકારે લાંબા ગાળાની આર્થિક સ્થિરતા માટેનો મજબૂત પાયો રચવાનું લક્ષ્ય સ્પષ્ટ કર્યું છે. સર્વાંગી અને સસ્ટેનેબલ વિકાસને પ્રાધાન્ય આપીને સરકારે દેશને વૈશ્વિક સ્તરે આર્થિક મહાસત્તા બનાવવા માટેની તૈયારી શરૂ કરી દીધી છે.

શૅરબજારમાં કેવી અસર સંભવ?
ઇક્વિટી માર્કેટની દૃષ્ટિએ જોઈએ તો આ બજેટ દ્વારા આગામી વર્ષોમાં કંપનીઓની કમાણીની બાબતે કોઈ મોટો ફરક પડતો દેખાતો નથી. કન્ઝમ્પ્શન, બૅન્કિંગ, ફાઇનૅન્શિયલ સર્વિસિસ ઍન્ડ ઇન્શ્યૉરન્સ (BFSI), ઑટો ઍન્ડ ઑટો ઍન્સિલિયરી તથા આરોગ્ય સેવા જેવાં ક્ષેત્રોને લાભ થાય એવાં પગલાં ભરવામાં આવ્યાં છે. કન્ઝ્‍યુમર ડ્યુરેબલ્સ, ટૂ-વ્હીલર તથા રોજિંદા વપરાશની ચીજવસ્તુઓની ખરીદીમાં વૃદ્ધિ થવાની આશા રાખી શકાય. એ ઉપરાંત બૅન્કોમાં થાપણ વધવાની અને રીટેલ ક્ષેત્રે માગ ઘટવાને કારણે ઊભી થયેલી ચિંતા શમવાની શક્યતા છે. 

national news india union budget finance news finance ministry nirmala sitharaman