02 February, 2025 07:56 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
નિર્મલા સીતારમણ
ગોળીથી થયેલા જખમ પર બૅન્ડેજ લગાવવા જેવું છે આ બજેટ. વૈશ્વિક અનિશ્ચિતતાની વચ્ચે આપણા આર્થિક સંકટને બચાવવા માટે મોટા ફેરફાર લાવવાની જરૂર હતી. જોકે આ સરકારે વૈચારિક શક્તિ ગુમાવી દીધી છે.
- રાહુલ ગાંધી- કૉન્ગ્રેસ
એવું લાગે છે કે બજેટમાં બિહારની જાહેરાત કરવા માટેનો ખજાનો મળી ગયો છે. આ સ્વાભાવિક છે, કારણ કે આ વર્ષના અંતમાં બિહારમાં ચૂંટણી થવાની છે. જોકે સત્તાધારી ગઠબંધનના મહત્ત્વના બીજા સહયોગી આંધ્ર પ્રદેશની અવગણના કેમ કરવામાં આવી?
- જયરામ રમેશ – કૉન્ગ્રેસ
બજેટ નહીં, પણ મહાકુંભમાં મૃત્યુ પામેલા લોકોના આંકડા મહત્ત્વપૂર્ણ છે. સરકાર જીવ ગુમાવનારાના આંકડા નથી આપી શકતી તો બજેટના આંકડા ન માની શકીએ.
અખિલેશ યાદવ – સમાજવાદી પાર્ટી
દેશમાં મોંઘવારી, ગરીબી, બેરોજગારીનો જબરદસ્ત માર પડી રહ્યો છે. ઉપરાંત સડક, પાણી, શિક્ષા, સુખ-શાંતિ વગેરે મૂળભૂત સુવિધાના અભાવે ૧૪૦ કરોડ ભારતવાસીઓનું જીવન મુશ્કેલ બની ગયું છે. એના પર બજેટમાં ધ્યાન નથી આપવામાં આવ્યું.
માયાવતી – બહુજન સમાજ પાર્ટી
દેશના ખજાનાનો મોટો ભાગ ગણ્યાગાંઠ્યા અમીર અરબપતિઓના કર્જને માફ કરવામાં વપરાઈ જાય છે. મેં બજેટમાં હવેથી કોઈ અરબપતિના કર્જને માફ ન કરવાની જાહેરાત કરવાની માગણી કરી હતી. આમ કરીને બચેલા રૂપિયાથી મિડલ ક્લાસ લોકોની હોમ અને વેહિકલ લોનમાં છૂટ આપી શકાય. જોકે બજેટમાં આવી કોઈ જાહેરાત નથી થઈ એનું દુઃખ છે.
અરવિંદ કેજરીવાલ – આમ આદમી પાર્ટી
બજેટ એટલે મોદી, શાહ અને BJPના મિત્રો માટે કરેલી યોજના. ગયાં દસ વર્ષમાં BJP અને મોદીના મિત્રોને જ ફાયદો થયો છે.
સંજય રાઉત – ઉદ્ધવસેના
નરેન્દ્ર મોદીએ મને પૂછ્યું હતું કે પ્રામાણિક કરદાતાઓને આપણે કેવી રીતે પાછું આપી શકીશું? : નિર્મલા સીતારમણ
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે બજેટમાં ટૅક્સમાં રાહત આપી છે એ વિશે વાતચીતમાં ગઈ કાલે કહ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૨૫-’૨૬નું બજેટ તૈયાર કરતી વખતે અમને પૂછ્યું હતું કે પ્રામાણિક કરદાતાઓને આપણે કેવી રીતે પાછું આપી શકીશું? એનું ગણિત કરો. અમે એ મુજબ ગણિત કરીને વડા પ્રધાનને મળ્યા હતા ત્યારે તેઓ ટૅક્સમાં મોટી રાહત આપવા માટે તરત સંમત થઈ ગયા હતા. ટૅક્સ ભરનારા લોકો અર્થતંત્રનો આધારસ્તંભ છે. આથી હું આને આવક ગુમાવવાની રીતે નથી જોતી.’
લોકો કૉન્ગ્રેસના રાજ કરતાં પણ અત્યારે વધારે કમાય છે : નાણાપ્રધાનની ટકોર
નિર્મલા સીતારમણે કહ્યું હતું કે ‘બજેટ-2025માં વ્યક્તિગત આવકવેરાના દરોમાં કરાયેલા ફેરફારથી વાર્ષિક ૨૪ લાખ રૂપિયાની આવક ધરાવતા લોકોને પણ લાભ થયો છે. ૨૦૧૪માં કૉન્ગ્રેસ પાર્ટીના શાસન હેઠળ તેઓ જે કમાતા હતા એના કરતાં હવે બે લાખ ૬૦ હજાર રૂપિયા વધારે કમાય છે. એટલે એવું નથી કે આ બજેટથી માત્ર ૧૨ લાખ
રૂપિયા કમાતા લોકોને જ લાભ થયો છે.’