02 February, 2026 10:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નિર્મલા સીતારમણ
કેન્દ્રીય બજેટ ૨૦૨૬-’૨૭માં દેશોને સહાય હેઠળ બજેટ-ફાળવણી વધારીને ૫૬૮૬ કરોડ રૂપિયા કરવામાં આવી હતી, જે ગયા વર્ષના ૫૪૮૩ કરોડના બજેટ-અંદાજ કરતાં લગભગ ૪ ટકા વધુ છે.
સૌથી વધારે રકમ ભુતાનને ફાળવવામાં આવી છે. એને ૨૨૮૮ કરોડ રૂપિયાની લોન અને અનુદાન ફાળવવામાં આવ્યાં છે. નેપાલને ૮૦૦ કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળશે. આ સિવાય અફઘાનિસ્તાન માટે ગ્રાન્ટ ગયા વર્ષના ૧૦૦ કરોડથી વધારીને આ વખતે ૧૫૦ કરોડ રૂપિયા કરવામાં આવી છે, જ્યારે બંગલાદેશ માટે અંદાજિત ગ્રાન્ટ ગયા વર્ષના ૧૨૦ કરોડથી ઘટાડીને આ વર્ષે ૬૦ કરોડ રૂપિયા કરવામાં આવી છે. મૉલદીવ્ઝને ૫૫૦ કરોડ રૂપિયા, મ્યાનમારને ૩૦૦ કરોડ, મૉન્ગોલિયાને ૨૫ કરોડ, મૉરિશ્યસને ૫૫૦ કરોડ, સેશેલ્સ ટાપુઓને ૧૯ કરોડ અને આફ્રિકન દેશોને ૨૨૫ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
આ બજેટમાં ઈરાનના ચાબહાર બંદર માટે કોઈ ફાળવણી કરવામાં આવી નથી. પાછલાં વર્ષોની જેમ ચાબહાર બંદર માટે કોઈ બજેટ નક્કી કરવામાં આવ્યું નથી. ૨૦૨૪-’૨૫ના નાણાકીય વર્ષમાં ભારત સરકારે ઈરાનમાં ચાબહાર બંદર પ્રોજેક્ટ માટે ૪૦૦ કરોડ રૂપિયા અલગ રાખ્યા હતા. ૨૦૨૫-’૨૬માં બંદર માટેનું બજેટ ૧૦૦ કરોડ રૂપિયા હતું, જે પાછળથી સુધારીને ૪૦૦ કરોડ રૂપિયા કરવામાં આવ્યું હતું.