01 February, 2026 09:25 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
બજેટને ફાઇનલ ટચ આપ્યા પછી ગઈ કાલે ફાઇનૅન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણ અને રાજ્યકક્ષાના નાણાપ્રધાન પંકજ ચૌધરી સહિતની ટીમે ગ્રુપ-ફોટો પડાવ્યો હતો.
આજે રજૂ થનારું ૨૦૨૬-’૨૭ માટેનું કેન્દ્રીય બજેટ રવિવારે રજૂ થનારું દેશનું પહેલું બજેટ બનવાનું છે. આમ રવિવારે પહેલી વાર આ ઐતિહાસિક બજેટ રજૂ થશે. છેલ્લા ૮ દાયકામાં ભારતના કેન્દ્રીય બજેટમાં દેશની વિકસતી આકાંક્ષાઓ અને આર્થિક સફર પ્રતિબિંબિત થઈ છે. ૨૦૨૬નું બજેટ નાણાપ્રધાન નિર્મલા સીતારમણનું સતત નવમું કેન્દ્રીય બજેટ હશે, જેનાથી તેઓ આ સિદ્ધિ મેળવનારાં ભારતનાં પ્રથમ નાણાપ્રધાન બનશે.
૨૦૧૭થી કેન્દ્રીય બજેટ ૧ ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવે છે, જે BJPની આગેવાની હેઠળની NDA સરકાર દ્વારા રજૂ કરાયેલો એક સુધારો છે. આ પહેલાં બજેટ પરંપરાગત રીતે ફેબ્રુઆરીના છેલ્લા કાર્યકારી દિવસે રજૂ કરવામાં આવતું હતું, જે બ્રિટિશયુગની એક પ્રથા હતી.
આ પરિવર્તનનો હેતુ ૧ એપ્રિલથી નવું નાણાકીય વર્ષ શરૂ થાય એ પહેલાં મંત્રાલયો અને રાજ્ય સરકારોને ખર્ચનું આયોજન અને અમલીકરણ કરવા માટે વધુ સમય આપવાનો હતો. ૧૯૯૯માં જ્યારે ૨૮ ફેબ્રુઆરી રવિવારે હતો ત્યારે ભૂતપૂર્વ નાણાપ્રધાન યશવંત સિંહાએ એક દિવસ પહેલાં શનિવારે, ૨૭ ફેબ્રુઆરીએ બજેટ રજૂ કર્યું હતું.
આ પહેલાં નિર્મલા સીતારમણ શનિવારે બજેટ રજૂ કરી ચૂક્યાં છે. ૨૦૨૦ની ૧ ફેબ્રુઆરીએ કોરોનાના લૉકડાઉન પહેલાં અને ફરી ૨૦૨૫ની ૧ ફેબ્રુઆરીએ શનિવારે તેમણે બજેટ રજૂ કર્યાં છે. જોકે તાજેતરના ઇતિહાસમાં આ વખતે પહેલી વાર કેન્દ્રીય બજેટ ખરેખર રવિવારે રજૂ કરવામાં આવશે.
૧૯૯૯ સુધી કેન્દ્રીય બજેટ સાંજે પાંચ વાગ્યે રજૂ કરવામાં આવતું હતું, જે બ્રિટિશ કામકાજના કલાકો સાથે સુસંગત બ્રિટિશયુગની પ્રથા હતી. એ વર્ષે યશવંત સિંહાએ સમય બદલીને સવારે ૧૧ વાગ્યે કર્યો જે આજે પણ ચાલુ છે.