28 November, 2025 10:12 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
શાહીન અને મુઝમ્મિલ ફરીદાબાદના શો-રૂમમાં કારની ડિલિવરી લેવા સાથે ગયેલાં એ વખતની તસવીર.
દિલ્હી કારબ્લાસ્ટ કેસમાં ફરીદાબાદથી પકડાયેલા ડૉ. મુઝમ્મિલ અહમદ ગવઈએ નૅશનલ ઇન્વેસ્ટિગેટિવ એજન્સીઓની પૂછપરછમાં સ્પષ્ટતા કરી હતી કે ડૉ. શાહીન તેની ગર્લફ્રેન્ડ નહીં પણ પત્ની છે. અત્યાર સુધી માનવામાં આવતું હતું કે વાઇટ ટેરર મૉડ્યુલમાં મૅડમ સર્જ્યન તરીકે જાણીતી ડૉ. શાહીન મુઝમ્મિલની પ્રેમિકા છે. એવું કહેવાઈ રહ્યું છે કે બન્નેએ ૨૦૨૩ના સપ્ટેમ્બર મહિનામાં ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટી પાસેની એક મસ્જિદમાં નિકાહ કર્યા હતા. શરિયા કાનૂન અનુસાર નિકાહ માટે પાંચથી છ હજાર મેહર લઈને આ શાદી થયેલી. સૂત્રોના કહેવા મુજબ ડૉ. શાહીને જ જૈશ મૉડ્યુલને હથિયાર અને વિસ્ફોટકો એકત્રિત કરવા માટે ૨૭ લાખ રૂપિયા આપ્યા હતા. તેણે જ મુઝમ્મિલને હથિયારો ખરીદવા ૬.૫ લાખ રૂપિયા અને ઉમરને કાર ખરીદવા માટે ત્રણ લાખ રૂપિયા ઉધાર આપવાની રજૂઆત કરી હતી.
બીજા અડ્ડાઓ પણ મળ્યા
નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીની તપાસમાં જાણવા મળ્યું હતું કે ડૉ. મુઝમ્મિલે ફરીદાબાદના ફત્તેહપુર તૌગા તેમ જ ધૌજ ગામ ઉપરાંત ખોરી જમાલપુર ગામમાં પણ ૩ બેડરૂમનું ઘર ભાડે લીધું હતું. તપાસ એજન્સીએ જ્યારે આ ફ્લૅટની તપાસ કરી તો એના માલિક જુમ્માએ કહ્યું હતું કે ‘મુઝમ્મિલે કાશ્મીરી ફળોનો વેપાર કરવા માટે આ ઘર ભાડે લીધું હતું. મહિને ૮૦૦૦ રૂપિયાના હિસાબે તે ભાડું આપતો હતો. ઘર ભાડે લેવાની વાત કરવા આવ્યો ત્યારે શાહીન પણ તેની સાથે હતી. તેણે શાહીનને પરિવારની સભ્ય ગણાવી હતી.’
આતંકવાદી ઉમરે નેઇલ પૉલિશ રિમૂવર અને દળેલી ખાંડથી વિસ્ફોટક બનાવ્યા હતા
દિલ્હી કારબ્લાસ્ટનો માસ્ટરમાઇન્ડ ઉમર બૉમ્બ બનાવવામાં માહેર હતો. તે પોતાની સાથે સીક્રેટ બ્રીફકેસ લઈને ફરતો હતો જેમાં ખૂબ જ સાદી જણાતી ચીજો રહેતી હતી - જેમ કે નેઇલ પૉલિશ રીમૂવર અને દળેલી ખાંડ. સૂત્રોએ જણાવ્યા મુજબ તપાસ એજન્સીઓને જાણવા મળ્યું હતું કે બૉમ્બ બનાવવામાં ઍસિટોન નામનું કેમિકલ જે સામાન્ય રીતે નખ પર લગાવેલા રંગોને કાઢવામાં વપરાય છે એ અને દળેલી ખાંડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.