18 January, 2026 09:26 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લામાં એક પરિવારમાં ૪૦ વર્ષ પછી એક દીકરીનો જન્મ થતાં પરિવારે દીકરીના જન્મની ઉજવણી એટલી ધામધૂમથી કરી કે આખો જિલ્લો ઉજવણીમાં ગુંજી ઊઠ્યો હતો. ફતેહપુરનિવાસી અંજુમ પરવેઝ ઉર્ફે રાજુની પત્ની નિખત ફાતિમાએ એક પુત્રીને જન્મ આપ્યો હતો. માતા અને નવજાત બાળકને ઘરે લઈ જવા માટે પરિવારના સભ્યો શણગારેલી ૧૨ સ્કૉર્પિયો અને અન્ય કારમાં હૉસ્પિટલમાં પહોંચ્યા હતા. આટલી બધી સ્કૉર્પિયોને એકસાથે જોઈને બુંદેલખંડના રહેવાસીઓને આશ્ચર્ય થયું હતું કે આ શું થઈ રહ્યું છે? દીકરીના જન્મ વખતે ડિસ્ક-જૉકી (DJ)ના સંગીત સાથે કાઢવામાં આવેલી આ શોભાયાત્રાનો એક વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. આ શોભાયાત્રાએ દીકરીના જન્મ પ્રત્યે સામાજિક વિચારમાં બદલાવ લાવી દીધો છે. પરિવારનું કહેવું છે કે ‘બેટી અલ્લાહની રહમત હોય છે અને અમારા પરિવારમાં ઘણા લાંબા સમયથી દીકરી નહોતી એટલે અલ્લાહે અમારી વાત સાંભળીને ૪૦ વર્ષ બાદ અમને ખુશાલી આપી છે. અમારી ખુશીમાં અમે અમારા મોહલ્લાના પરિવારોને પણ સામેલ કર્યા છે.’
અંજુમ પરવેઝ અને નિખત ફાતિમાની આ પહેલે સંદેશ આપ્યો હતો કે બેટીનો જન્મ સમાજમાં ગર્વ અને ખુશીનો મોકો છે, એને ખુલ્લા દિલથી મનાવવામાં આવે.