07 June, 2026 10:11 AM IST | London | Gujarati Mid-day Correspondent
બ્રિટનના ૬ દિવસના પ્રવાસે ગયેલા ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા (CJI) સૂર્યકાંતના લંડનના એક કાર્યક્રમમાં ભારે હોબાળો થતાં વિવાદ સર્જાયો છે.
બ્રિટનના ૬ દિવસના પ્રવાસે ગયેલા ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા (CJI) સૂર્યકાંતના લંડનના એક કાર્યક્રમમાં ભારે હોબાળો થતાં વિવાદ સર્જાયો છે. યુનિવર્સિટી ઑફ લંડનની બર્કબેક કૉલેજમાં ‘આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ઍન્ડ ઇન્ટરનૅશનલ લૉ’ વિષય પર આયોજિત વ્યાખ્યાન દરમ્યાન કેટલીક વ્યક્તિઓએ ભારતની લોકશાહી અને અસંમતિનો અવાજ દબાવવા બાબતે તીખા સવાલો પૂછતાં વાત વણસી હતી. ભારતીય હાઈ કમિશને આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢીને એને અમર્યાદિત અને અશિષ્ટ ગણાવી છે.
શું હતી ઘટના?
અહેવાલો મુજબ CJIનું ભાષણ પૂરું થયા બાદ પ્રશ્નોત્તરી દરમ્યાન એક વ્યક્તિએ ભારતમાં લોકશાહીના માહોલ અને CJIની અગાઉની કેટલીક ટિપ્પણીઓ (કૉક્રૉચ રિમાર્ક) વિશે પ્રશ્નો ઉઠાવ્યા હતા. કાર્યક્રમના મૉડરેટરે આ સવાલોને મુખ્ય વિષયથી અલગ ગણાવીને અટકાવ્યા હતા, જેને કારણે હોબાળો થયો હતો. આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા બાદ ભારતીય હાઈ કમિશને નિવેદન આપ્યું કે લોકશાહીમાં મતભેદો સ્વાભાવિક છે પરંતુ એને રજૂ કરવાની રીત સભ્ય અને સન્માનજનક હોવી જોઈએ, જાહેર મંચ પર આવું બેજવાબદાર વર્તન સ્વીકાર્ય નથી.