24 November, 2025 09:40 AM IST | Bihar | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
બિહારના છ જિલ્લા ભોજપુર, સમસ્તીપુર, બેગુસરાય, ખગડિયા, કટિહાર અને નાલંદામાં સ્તનપાન કરાવતી માતાઓના દૂધમાં યુરેનિયમ જોવા મળ્યું છે. નેચર મૅગેઝિન દ્વારા કરવામાં આવેલા એક પરીક્ષણમાં આ ખુલાસો થયો હતો. આમ થવાનું કારણ ભૂગર્ભજળનું દૂષણ હોઈ શકે છે, પણ સ્રોત હજી અસ્પષ્ટ છે. તારણો સૂચવે છે કે રાજ્યના ભૂગર્ભજળના જે સ્તરમાં પાણી ભરાઈ રહે છે એમાં હાજર ઝેરી તત્ત્વ નવજાત શિશુઓના શરીરમાં પોષણના તેમના પ્રથમ અને સૌથી મહત્ત્વપૂર્ણ સ્રોત દ્વારા પ્રવેશ કરી રહ્યું છે.
આ અભ્યાસ પટનાની મહાવીર કૅન્સર સંસ્થાન દ્વારા ડૉ. અરુણ કુમાર અને પ્રોફેસર અશોક ઘોષના નેતૃત્વ હેઠળ નવી દિલ્હીની ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (AIIMS)ના સહયોગથી બાયોકેમિસ્ટ્રી વિભાગના ડૉ. અશોક શર્માના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યો હતો. ઑક્ટોબર ૨૦૨૧ અને જુલાઈ ૨૦૨૪ વચ્ચે હાથ ધરવામાં આવેલા આ સંશોધનમાં ભોજપુર, સમસ્તીપુર, બેગુસરાય, ખગડિયા, કટિહાર અને નાલંદામાં સત્તરથી ૩૫ વર્ષની વયની ૪૦ માતાઓના દૂધનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. બધા નમૂનાઓમાં યુરેનિયમ (U238) મળી આવ્યું હતું, જેની સાન્દ્રતા ૦થી ૫.૨૫ માઇક્રોગ્રામ પ્રતિ લીટર સુધીની હતી. માતાના દૂધમાં યુરેનિયમ માટે કોઈ માન્ય મર્યાદા નથી.
ડૉ. અશોક શર્માએ જણાવ્યું હતું કે ‘દૂષણનો સ્રોત હજી સુધી અસ્પષ્ટ છે. અમને હજી સુધી યુરેનિયમના સ્રોતની ખબર નથી. ભારતીય ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ પણ આ શોધવાનો પ્રયાસ કરી રહ્યું છે. યુરેનિયમ કૅન્સર અને ન્યુરૉલોજિકલ વિકૃતિઓનું કારણ બને છે અને બાળકોના વિકાસને અસર કરે છે જે ખૂબ જ ગંભીર ચિંતાનો વિષય છે.’