27 August, 2025 11:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકાએ ભારતમાંથી આયાત થતી વસ્તુઓ પર પચીસ ટકા વધારાની ટૅરિફ લાદવાનો આદેશ જાહેર કર્યો છે. આ ટૅરિફ આજથી લાગુ થશે. હવે ભારત પર ૫૦ ટકા ટૅરિફ લાદવામાં આવ્યો છે. સોમવારે યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઑફ હોમલૅન્ડ સિક્યૉરિટી દ્વારા જાહેર કરાયેલી ડ્રાફ્ટ-નોટિસ અનુસાર વધારાની ટૅરિફ ભારતીય ઉત્પાદનો પર લાગુ થશે જે ૨૭ ઑગસ્ટે ઈસ્ટર્ન ડેલાઇટ ટાઇમ મુજબ રાતે ૧૨:૦૧ વાગ્યે અથવા એ પછી વપરાશ માટે લાવવામાં આવશે અથવા વેરહાઉસમાંથી કાઢવામાં આવશે.
નોટિસમાં કહેવામાં આવ્યું છે કે આ ટૅરિફ રશિયન ફેડરેશનની સરકાર દ્વારા અમેરિકાને આપવામાં આવેલી ધમકીઓ સાથે જોડાયેલી છે અને આ વ્યૂહરચનાના ભાગરૂપે ભારતને લક્ષ્ય બનાવવામાં આવ્યું છે. નવી ટૅરિફ ખાસ કરીને કાપડ, રત્નો અને ઝવેરાત જેવાં ક્ષેત્રોમાં ભારતની નિકાસને અસર કરી શકે છે. જોકે ફાર્માસ્યુટિકલ્સ અને ઇલેક્ટ્રૉનિક્સ જેવાં કેટલાંક ક્ષેત્રોને હજી પણ આમાંથી મુક્તિ આપવામાં આવી છે.
ભારતનું શું વલણ છે?
અમેરિકા ભારતની કૃષિ અને ડેરી બજારોમાં વધુ પ્રવેશ ઇચ્છે છે, પરંતુ ભારત સરકારે આ પગલાને અન્યાયી ગણાવ્યું છે. વાણિજ્યપ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે સરકાર યુએસ-ટૅરિફની અસરનું મૂલ્યાંકન કરી રહી છે અને રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા માટે નિર્ણાયક પગલાં લેશે.
અમેરિકન ટૅરિફની અસર સહન કરવા માટે ભારત તૈયાર છે : નરેન્દ્ર મોદી
નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં એક સભાને સંબોધતાં કહ્યું હતું કે ભારત યુએસ-ટૅરિફની અસર સહન કરવા તૈયાર છે. અમેરિકા પર પરોક્ષ રીતે નિશાન સાધતાં તેમણે કહ્યું હતું કે તમે બધા જોઈ રહ્યા છો કે આજે વિશ્વમાં કેવા પ્રકારની રાજનીતિ થઈ રહી છે જે ફક્ત આર્થિક સ્વાર્થથી પ્રેરિત છે. નાના વેપારીઓ, દુકાનદારો, ખેડૂતો અને પશુપાલકોને સંબોધતાં તેમણે કહ્યું હતું કે ‘મારા માટે તમારું હિત સર્વોપરી છે. મારી સરકાર નાના ઉદ્યોગસાહસિકો, ખેડૂતો કે પશુપાલકોને કોઈ નુકસાન થવા દેશે નહીં. ગમે એટલું દબાણ આવે, અમે અમારી સહનશક્તિ વધારતા રહીશું.’