16 November, 2026 09:33 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાં મૂર્તિવિસર્જનના સરઘસ દરમ્યાન ઘરની બહાર ઊભેલા DJ વાહનના ઘોંઘાટથી ૨૦ દિવસની એક નવજાત બાળકીનું મોત નીપજ્યું હોવાની દુઃખદ ઘટના બની હતી. પરિવારના દાવા મુજબ ભારે અવાજવાળા મ્યુઝિકને કારણે બાળકીના હૃદયના ધબકારા રોકાઈ ગયા હતા. અવાજ ઓછો કરવા માટે પરિવારે વારંવાર વિનંતી કરી હોવા છતાં કોઈએ એમની વાત સાંભળી નહોતી.
મળતી માહિતી મુજબ બાળકી તેની મમ્મી રીમા દેવી સાથે ઝૂંપડીમાં સૂઈ રહી હતી ત્યારે જ ઘરની બહાર DJ વાહન ઊભું રહ્યું હતું. અવાજને કારણે બાળકી અચાનક રડવા લાગી હતી. પરિવારજનો તેને તરત જ નજીકની હૉસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. બાળકીનાં કાકીએ જણાવ્યું કે સાસરીમાં દેખરેખ રાખનારું કોઈ ન હોવાથી રીમા દેવી છેલ્લા ૧૦ દિવસથી પિયરમાં આવી હતી.