17 September, 2025 08:27 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઉત્તર પ્રદેશમાં પંચાયતની ચૂંટણી પહેલાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરીને રાજ્યના ચૂંટણીપંચ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં ૩ રૂમના ૧ ઘરમાં ૪૨૭૧ મતદારો નોંધાયેલા મળી આવ્યા હતા. આ ગામમાં કુલ મતદારોની સંખ્યા ૧૬,૦૬૯ છે.
આ કેસમાં મહોબાના જૈતપુર ગામમાં ઘર-નંબર ૮૦૩માં ૪૨૭૧ મતદારો નોંધાયેલા જોવા મળ્યા છે. સિરિયલ-નંબર ૨૨૮૩થી ૬૯૬૯ સુધીના મતદારો આ એક જ ઘરમાં રહે છે. સત્ય જાણવા માટે ચૂંટણીપંચના અધિકારીઓએ બૂથ લેવલ ઑફિસર (BLO)ને સ્થળ પર મોકલ્યા ત્યારે ઘરમાલિક પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો. ઘર-નંબર ૮૦૩ના માલિક ઉજિયાનું ૧૦ વર્ષ પહેલાં અવસાન થયું હતું. ઉજિયાનું નામ પણ આ મતદારયાદીમાં છે. ઉજિયાની પુત્રી મજ્જો હવે આ ઘરની માલિક છે. તેને પણ ખબર નથી કે તેના ઘરના સરનામે આટલા બધા મત કેવી રીતે થયા અને આ કોના મત છે. જોકે હવે ઘરના વાસ્તવિક ૧૦ મત ઓળખ્યા પછી ચૂંટણીપંચે બાકીના મતોને નકલી ગણાવીને રદ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ અગાઉ મહોબામાં જ એક પાનવાડીના સરનામે ૨૪૩ મત ઓળખાયા હતા.
ભૂલ સ્વીકારવાનો ઇનકાર
આ સંદર્ભમાં ઍડિશનલ ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ (ADM) કુંવર પંકજે આને ગંભીર ભૂલ તરીકે સ્વીકારવાનો ઇનકાર કર્યો છે અને એને ક્લેરિકલ મિસ્ટેક ગણાવી છે. તેમના મતે ગામડાંઓમાં મોટા ભાગનાં ઘરોમાં નંબર નથી. આવી સ્થિતિમાં BLO એક જ ઘરનંબર નોંધે છે. આ સુધારવામાં આવી રહ્યું છે.