22 August, 2026 10:22 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લામાં એક અજીબ ઘટના સામે આવી છે. અહીં ફૂડવિભાગના દરોડા દરમ્યાન મીઠાઈની એક દુકાનના માલિકે પોતાની જ દુકાનની મીઠાઈ ખાવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. હમીરપુરમાં આવેલી મા વૈષ્ણો જય ભવાની સ્વીટ હાઉસ નામની દુકાનમાં ફૂડવિભાગના અધિકારીઓ ચેકિંગ માટે પહોંચ્યા હતા.
દુકાનમાં મીઠાઈમાં ભેળસેળ હોવાની શંકા જતાં અધિકારીઓએ દુકાનના માલિક અન્ની બાબાને ચાંદીનો વરખ લગાવેલી એક મીઠાઈ ખાવા માટે આપી હતી, પરંતુ પોતાના જ હાથે બનાવેલી અને ગ્રાહકો માટે વેચાણમાં મૂકેલી આ મીઠાઈ ખાવાનો અન્ની બાબાએ ઇનકાર કરી દીધો હતો. માલિકના ઇનકારથી મીઠાઈમાં ઝેરી ભેળસેળ હોવાની શંકા વધુ દૃઢ થઈ હતી. ત્યાર બાદ ફૂડવિભાગના અધિકારીઓએ દુકાનમાલિકને આ તમામ ભેળસેળવાળી મીઠાઈઓ ડસ્ટબિનમાં ફેંકી દેવાનો કડક આદેશ આપ્યો હતો. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી આ તમામ મીઠાઈઓનો તરત જ નાશ કરવામાં આવ્યો હતો.