15 September, 2025 08:21 PM IST | Bareilly | Gujarati Mid-day Online Correspondent
દિશા પટણી અને સીએમ યોગી આદિત્યનાથ 9તસવીર: મિડ-ડે)
બરેલીમાં બૉલિવૂડ અભિનેત્રી દિશા પટણીના ઘરે થયેલી ફાયરિંગ થઈ હતી. આ ઘટનામાં હવે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે દિશા પટણીના પિતા જગદીશ પટણી સાથે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે સુરક્ષા વ્યવસ્થાનું સંપૂર્ણ આશ્વાસન આપ્યું હતું અને કહ્યું હતું કે આરોપીઓ જે પણ હોય, તેમને પાતાળમાંથી પણ શોધી કાઢવામાં આવશે. જગદીશ પટણીએ પોતે મીડિયા સાથે વાત કરતી વખતે આ માહિતી આપી હતી. તેમણે એક વીડિયો જાહેર કરીને આ નિવેદન આપ્યું હતું. જગદીશ પટણીએ કહ્યું હતું કે તેમણે સીએમ યોગી આદિત્યનાથ સાથે ફોન પર વાત કરી હતી. તેમણે પરિવારની સુરક્ષા વ્યવસ્થાનું સંપૂર્ણ આશ્વાસન આપ્યું હતું.
જગદીશ પટણીએ કહ્યું હતું કે, `મોડી રાત્રે માનનીય મુખ્યમંત્રીએ ફોન કર્યો હતો. તેમણે મારા સમગ્ર પરિવારને સાંત્વના આપી હતી અને કહ્યું હતું કે આખું રાજ્ય તમારી સાથે ઉભું છે. મુખ્યમંત્રીએ ખાતરી આપી છે કે અમારી સુરક્ષામાં કોઈ બેદરકારી રાખવામાં આવશે નહીં.` અઢી હજાર કૅમેરાની તપાસ કરવામાં આવી હતી. આ કેસની માહિતી આપતાં વરિષ્ઠ પોલીસ અધિક્ષક અનુરાગ આર્યએ જણાવ્યું હતું કે આ સંદર્ભમાં કેસ નોંધવામાં આવ્યો છે અને અમારી ટીમો સતત કાર્યવાહી અને તપાસ કરી રહી છે. અત્યાર સુધીમાં શહેર અને આસપાસના વિસ્તારોના લગભગ 2500 સીસીટીવી કૅમેરાના ફૂટેજ સ્કૅન કરવામાં આવ્યા છે અને તેમની સંપૂર્ણ વિગતો એકત્રિત કરવામાં આવી છે.
તેમણે કહ્યું કે એક ટીમ મૂળ સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે, જ્યારે અન્ય ટીમો વિવિધ સ્થળોએ કામ કરી રહી છે. કેટલીક ટીમોને અન્ય રાજ્યોમાં મોકલવામાં આવી છે અને તમામ ટોલ પ્લાઝાનો ડેટા પણ એકત્રિત કરવામાં આવ્યો છે. શંકાસ્પદ વાહનોની ઓળખ કરવામાં આવી રહી છે અને હૅલ્મેટ પહેરેલા લોકોની ગતિવિધિઓની પણ તપાસ કરવામાં આવી રહી છે. એસએસપીએ કહ્યું કે સર્વેલન્સ અને સાયબર સેલની મદદથી આ કેસની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. ગુનેગારોનો રાષ્ટ્રીય સ્તરનો ડેટા સ્કૅન કરવામાં આવી રહ્યો છે અને અત્યાર સુધી મળેલા બે મોબાઇલ નંબર બહારના રાજ્યો સાથે જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે. કુલ છ ટીમો તપાસમાં રોકાયેલી છે, જેમાંથી બે ટીમોને બહાર મોકલવામાં આવી છે.
નવ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવી હતી
11 અને 12 તારીખની મધ્ય રાત્રે બે અજાણ્યા હુમલાખોરોએ 129 જગદીશ પટણીના ઘરની બહાર લગભગ 9 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ઘરની દિવાલ પર હજી પણ ગોળીઓના નિશાન સ્પષ્ટપણે દેખાય છે. હાલમાં પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. ઘટના બાદ પરિવાર ગભરાઈ ગયો છે, જોકે દિશા તરફથી આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી નથી.