24 June, 2026 10:31 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
રાજ પ્રજાપતિ
ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં રસ્તાની બાજુમાં પંક્ચરની દુકાન ચલાવતા રાજ પ્રજાપતિને સેન્ટ્રલ ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (CGST) વિભાગ તરફથી ૨૮ કરોડ રૂપિયાની GST ચોરીનો આરોપ લગાવતી નોટિસ મળી છે. છેતરપિંડી કરનારાઓએ તેના આધાર અને પર્મનન્ટ અકાઉન્ટ નંબર (PAN)નો દુરુપયોગ કરીને તેના નામે ૧૦૦ કરોડ રૂપિયાથી વધુના ટર્નઓવરવાળી નકલી કંપની નોંધાવી હતી. ૨૭ મેએ વારાણસી CGST ઑફિસ તરફથી રાજ પ્રજાપતિને સમન્સ મળ્યો હતો. તેને ૨૯ મેએ ઑફિસમાં હાજર થવાનું જણાવવામાં આવ્યું હતું. સમન્સ જોઈને તેણે ૨૯ મેએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ૧૭ જૂને તેણે જનસુનાવણીમાં હાજરી આપી હતી.
રાજ પ્રજાપતિને ૨૦૨૪માં તેની બહેનનાં લગ્ન માટે ૩૦,૦૦૦ રૂપિયાની જરૂર હતી અને તેણે અમિત ગુપ્તા નામની વ્યક્તિને તેનાં PAN અને આધાર કાર્ડ પૂરાં પાડ્યાં હતાં. દસ્તાવેજ પર અમિત ગુપ્તાએ સહી પણ કરાવી લીધી હતી. આ દસ્તાવેજોનો ઉપયોગ કરીને છેતરપિંડી કરનારાઓએ મેસર્સ ગૅજેટ્રિક ટેક્નૉલૉજી પ્રાઇવેટ લિમિટેડ નામની નકલી કંપની બનાવી હતી. યસ બૅન્કમાં તેના નામે એક નકલી અકાઉન્ટ પણ ખોલવામાં આવ્યું હતું. આ કંપનીનું વાર્ષિક ટર્નઓવર ૧૦૦ કરોડ રૂપિયા દર્શાવવામાં આવ્યું હતું અને પછી કંપની બંધ કરી દેવામાં આવી હતી. આ કંપની પર ૨૮ કરોડ રૂપિયાનો CGST બાકી હતો.
GST અધિકારીઓ તપાસ માટે તેના ગામમાં પહોંચ્યા ત્યારે તેમને જાણવા મળ્યું કે ૧૦૦ કરોડ રૂપિયાની કથિત કંપનીનો માલિક રસ્તાની બાજુમાં સાઇકલ રિપેર કરવાની દુકાન ચલાવતો હતો. આ પછી સ્થાનિક પોલીસે કેસ નોંધ્યો છે અને છેતરપિંડી કરનારાઓની શોધ કરી રહી છે.