04 February, 2025 02:42 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - એઆઈ)
Uttar Pradesh News: સ્ત્રીને શણગાર શોભે! વળી ઘણી સ્ત્રીઓને હર-હંમેશ સજીધજીને રહેવાની આદત હોય છે. સૌભાગ્યવતી સ્ત્રી બીજો કોઈ શણગાર ન કરે પણ, કપાળે ચાંદલો અવશ્ય લગાડતી હોય છે. વળી, પત્નીના કપાળે નિતનવો ચાંદલો જોઈને કયો પુરુષ ન હરખાય? પણ, યુપીના આગ્રામાં એક વિચિત્ર ઘટના સામે આવી છે.
યુપીના આગ્રામાં એક દંપતી વચ્ચે ઝગડો થયો હતો અને તેઓના ઝઘડાનું કારણ પણ હતું ચાંદલો. વળી, આ બંને વચ્ચેનો વિવાદ એટલો વધી ગયો કે વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ હતી. પત્નીએ તેના પતિ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ પણ કરી હતી.
હમણાં હમણાં જ પરણેલી મહિલાને મેચિંગ ચાંદલાનો શોખ છે. પણ, ઘરકામ કરતી વખતે તે ઘડી ઘડી નીકળી જતો હતો. જ્યારે જ્યારે આવું થાય તે નવો ચાંદલો લગાડતી. તેનો પતિ આ બધુ થોડા દિવસ જોતો રહ્યો. એણે પત્ની (Uttar Pradesh News) કેટલા ચાંદલા બદલે છે તે ગણવાનું શરૂ કર્યું.
પતિએ જોયુ કે પત્ની તો ચાંદલા પાછળ હદ બહારનો ખર્ચ કરે છે ત્યારે તેણે તેનો વિરોધ કર્યો. જ્યારે આ બંને વચ્ચે આ મામલે બોલાચાલી થઈ ત્યારે પત્ની તેના પતિને કહેતી કે યાર, ચાંદલા જેવી નાની વસ્તુ ગશું ગણીને વાપરવી? પતિના આવા વર્તન પર તેને માઠું લાગી આવ્યું. જોકે, પત્નીને આ બિલકુલ જ ન ગમ્યું. નારાજ થઈને તે તેના પિયર ચાલી ગઈ. લગભગ 3 મહિના સુધી તે સાસરિયે ઘઆવી જ નહીં. ત્યારે જઈને આ મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો.
આ નાની વાત પર પત્નીનો પિત્તો ગયો (Uttar Pradesh News) અને તે તો પોલીસ સ્ટેશન જઇ ચઢી. તેણે પતિ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી. પોલીસે બંનેનો કેસ ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટરમાં મોકલી આપ્યો. જ્યાં કાઉન્સેલિંગ દરમિયાન પતિએ ચાંદલાની ગણતરી બંધ કરવાનું વચન આપ્યું. આ પછી બંને વચ્ચે સમાધાન થઈ ગયું હોવાની માહિતી મળી રહી છે.
ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટર ખાતે આવા 35 દંપતીઓ વચ્ચે થયેલા ઝઘડા ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આમાંથી 12 યુગલોના વિવાદનો અંત આવ્યો અને તેઓ એકબીજા સાથે રહેવા માટે સંમત થયા હતા.
કાઉન્સેલર ડૉ. અમિત ગૌડે જણાવ્યું કે, નજીવી બાબતે કપલ વચ્ચે ઝઘડો થતાં મામલો (Uttar Pradesh News) અહીં સુધી પહોંચ્યો હતો. આ આખા કેસમાં પતિએ એમ કહ્યું હતું કે હું રોજ સવારે કામ માટે નીકળી જાઉં અને સાંજે પાછો થાક્યો પાક્યો આવું ત્યારે રોજ પત્ની ચાંદલા બદલ્યા કરતી. મને ન ગમતું. પછી તો મેં તેને ગણી ગણીને ચાંદલા આપવાનું શરૂ કર્યું. પણ, એ વાતે તે રિસાઈ ગઈ હતી.