Uttarakhand rains: આસમાની આફતે ઉત્તરાખંડમાં ૪૬ તો કેરળમાં ૨૭નો ભોગ લીધો

20 October, 2021 03:53 PM IST  |  Dehradun | Gujarati Mid-day Online Correspondent

ભારે વરસાદને પગલે ૧૭ ઑક્ટોબરે ચંપાવતના બનાબાસામાં એકનું મોત થયું હતું. ૧૮ ઑક્ટોબરે છ મોત નોંધાયા હતા. આમાંથી ત્રણ પૌરીમાં, બે ચંપાવતમાં અને એક પિથોરાગઢમાં નોંધાયું હતું.

ફોટો/પીટીઆઈ

છેલ્લા કેટલાક દિવસોમાં ભારે પૂર અને ભૂસ્ખલનની અનેક ઘટનાઓને પગલે વરસાદથી પ્રભાવિત ઉત્તરાખંડમાં મૃત્યુઆંક ૪૬ પર પહોંચી ગયો છે. રાજ્યની કુદરતી આપત્તિ ઘટના અહેવાલ મુજબ, આ ઘટનાઓમાં ૧૨ જેટલા લોકો ઘાયલ થયા છે.

ભારે વરસાદને પગલે ૧૭ ઑક્ટોબરે ચંપાવતના બનાબાસામાં એકનું મોત થયું હતું. ૧૮ ઑક્ટોબરે છ મોત નોંધાયા હતા. આમાંથી ત્રણ પૌરીમાં, બે ચંપાવતમાં અને એક પિથોરાગઢમાં નોંધાયું હતું.

૧૯ ઑક્ટોબરે ઉત્તરાખંડમાં વધુ ૩૯ મોત નોંધાયા હતા. આમાંથી સૌથી વધુ ૨૮ મોત નૈનીતાલમાં, અલમોડામાં છ, ચંપાવત અને ઉધમસિંહ નગરમાં બે-બે અને બાગેશ્વરમાં એકનું મોત થયું છે.

અહેવાલ મુજબ ૧૧ લોકો હજુ પણ ગુમ છે.

બીજી તરફ કેરળમાં પણ ઘણા જિલ્લાઓમાં મુશળધાર વરસાદને પગલે પૂરની સ્થિતિ સર્જાઈ છે. રાજ્યના જુદા-જુદા વિસ્તારોમાં પૂર અને લેન્ડસ્લાઈડની ઘટનાઓમાં ૨૭ લોકોનાં મૃત્યુ થયાં છે અને કેટલાક લોકો લાપતા થયાના સમાચાર છે.

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ મંગળવારે રાજ્યમાં ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું. તેમણે ઘર ગુમાવનારાઓ માટે રૂ. ૧,૦૯,૦૦૦ અને મૃતકોના પરિવારજનોને ૪ લાખ રૂપિયાનું વળતર આપવાની પણ જાહેરાત કરી હતી.

ધામીએ રાજ્યમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે પશુધન ગુમાવનારાઓને તમામ શક્ય મદદની ખાતરી આપી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા માટે આજે રાજ્યની મુલાકાતે આવવાના છે. તે આવતી કાલે સમીક્ષા બેઠક કરશે અને હવાઈ સર્વે પણ કરશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

દરમિયાન ભારતીય વાયુસેનાના જવાન દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારમાં રાહત અને બચાવકાર્ય કરવામાં આવી રહ્યું છે. વાયુસેનાએ પૂરગ્રસ્ત પંતનગરમાં રેસ્ક્યૂ-ઓપરેશન માટે 3x ધ્રુવ હેલિકોપ્ટર મોકલ્યા છે. સુંદરખાલ ગામની પાસે 3 જગ્યા પર 25 લોકો ફસાયા હતા. તેમને હેલિકોપ્ટર દ્વારા સુરક્ષિત સ્થાને લઈ જવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે નેપાળમાં ભારે વરસાદને કારણે આવેલા પૂરને પગલે ભારે વિનાશ થયો છે. અહીં પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓમાં ૨૧ લોકોનાં મૃત્યુ થયાં છે અને 24 લોકો લાપતા છે. નેપાળના ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે દેશના ૧૯ જિલ્લા પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે.

national news uttarakhand kerala nepal