કચ્છના લખપતથી કોચી સુધી થશે વંદે માતરમ્ કોસ્ટલ સાઇક્લેથૉન

22 January, 2026 09:22 AM IST  |  Kutch | Gujarati Mid-day Correspondent

૬૫૫૩ કિલોમીટરની આ સાઇક્લેથૉન સુરત, મુંબઈ, ગોવાથી પસાર થશે : ૨૮ જાન્યુઆરીથી શરૂ થઈ બાવીસ ફેબ્રુઆરીએ પૂરી થનારી આ સાઇક્લેથૉનમાં ૬૫ મહિલાઓ સહિત ૧૩૯ જવાનો ભાગ લેશે

વંદે માતરમ્ CISF કોસ્ટલ સાઇક્લેથૉન ૨૦૨૬

સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યૉરિટી ફોર્સ (CISF) દ્વારા રાષ્ટ્રભક્તિની ભાવના મજબૂત કરવા તથા તટીય સુરક્ષા અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી કચ્છના લખપતથી કોચી સુધી વંદે માતરમ્ CISF કોસ્ટલ સાઇક્લેથૉન ૨૦૨૬નું આયોજન ૨૮ જાન્યુઆરીથી બાવીસ ફેબ્રુઆરી સુધી કરવામાં આવ્યું છે.

સુરક્ષિત તટ, સમૃદ્ધ ભારત થીમ અંતર્ગત યોજાનારી આ કોસ્ટલ સાઇક્લેથૉન ૨૮ જાન્યુઆરીએ પશ્ચિમ તટે આવેલા કચ્છ જિલ્લાના લખપત કિલ્લાથી શરૂ થશે. આ ઉપરાંત CISFના અન્ય દળ દ્વારા પૂર્વ તટ પશ્ચિમ બંગાળના બક્કાલીથી એકસાથે કરવામાં આવશે. કચ્છના લખપતથી નીકળનારી સાઇક્લેથૉન ટીમ સુરત, મુંબઈ, ગોવા અને મેન્ગલોર સહિતનાં તટીય શહેરોમાંથી પસાર થઈ આશરે ૬૫૫૩ કિલોમીટરનું અંતર કાપીને બાવીસ ફેબ્રુઆરીએ કેરલાના કોચીમાં સમાપ્ત થશે. સમગ્ર યાત્રા પચીસ દિવસમાં પૂરી કરવામાં આવશે. આ સાઇક્લેથૉનમાં CISFની ૬૫ મહિલા સહિત કુલ ૧૩૯ જવાનો ભાગ લેશે. વંદે માતરમ્ સાઇક્લેથૉન તટીય સુરક્ષાના મહત્ત્વને ઉજાગર કરતી પહેલની સાથે દેશભક્તિ, રાષ્ટ્રીય એકતા અને સુરક્ષિત ભારતના સંકલ્પને પ્રતિબિંબ કરશે.  

national news independence day delhi kochi kutch