11 November, 2025 10:33 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે ગોરખપુરમાં એકતા યાત્રા દરમ્યાન સરદાર વલ્લભભાઈ પટેલની તસવીર લઈને રાષ્ટ્રીય ગીત વન્દે માતરમ્ ગાતાં-ગાતાં પદયાત્રા પર નીકળેલા યોગી આદિત્યનાથ.
ગોરખપુરમાં રાષ્ટ્રીય એકતા પદયાત્રાનો પ્રારંભ કરતાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે એક મોટી જાહેરાત કરતાં કહ્યું હતું કે ‘હવે રાષ્ટ્રગીતની જેમ ઉત્તર પ્રદેશની તમામ સ્કૂલોમાં રાષ્ટ્રીય ગીત વન્દે માતરમ્ ગાવાનું ફરજિયાત બનશે. વન્દે માતરમ્ માત્ર એક ગીત નથી, એ ભારતની એકતા અને અખંડિતતાને પ્રતિબિંબિત કરે છે. એ રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપે છે અને જો કોઈ જિન્નાહ દેશની અખંડિતતાને નુકસાન પહોંચાડવા માટે જન્મે છે તો તેને દફનાવવામાં આવશે.’
મીડિયા સાથે વાતચીત દરમ્યાન યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે કોઈ ધર્મ કે માન્યતા રાષ્ટ્રથી મોટી હોઈ શકે નહીં.
અયોધ્યામાં રાવણની ૨૫ ફુટ ઊંચી પ્રતિમા સ્થાપવામાં આવશે
ઉત્તર પ્રદેશ સરકાર અયોધ્યામાં ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે ગુપ્તાર ઘાટમાં એક ભવ્ય રામાયણ પાર્ક બનાવી રહી છે. આ પાર્ક સંપૂર્ણપણે રામાયણ થીમ પર આધારિત હશે, જેમાં રામાયણનાં મુખ્ય પાત્રોની પ્રતિમાઓ હશે. પાર્કમાં રાવણની ૨૫ ફુટ ઊંચી પ્રતિમા સ્થાપવામાં આવશે. આ પ્રતિમા ભગવાન રામ અને રાવણ વચ્ચેના યુદ્ધને દર્શાવશે. યોગી આદિત્યનાથ સરકારની આ પહેલ ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા અને અયોધ્યાને એક મુખ્ય સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે વિકસાવવા તરફ એક પગલું છે. રામાયણ પાર્ક ગુપ્તાર ઘાટ પાસે બનાવવામાં આવી રહ્યો છે, જે શ્રી રામ મંદિરથી લગભગ ૧૩ કિલોમીટર દૂર આવેલો છે. ભગવાન શ્રી રામે ગુપ્તાર ઘાટ પર જ જળસમાધિ લીધી હતી.