10 November, 2025 08:51 AM IST | Goa | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
અદ્ભુત દરિયાકિનારા અને જીવંત નાઇટ-લાઇફ માટે પ્રખ્યાત ગોવામાં આગામી એક વર્ષમાં માંડોવી નદીના કિનારે વારાણસીની ગંગા આરતી જેવી આરતીનો ટૂરિસ્ટોને લાભ મળશે. ગોવા ટૂરિઝમ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (GTDC)ને આ પહેલ માટે તાજેતરમાં કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (CRZ) તરફથી મંજૂરી મળી છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ નદીકિનારે એક સુંદર સ્થળ બનાવવાનો છે જ્યાં મુલાકાતીઓ આધ્યાત્મિકતાનો અને ગોવાના કુદરતી સૌંદર્યનો આનંદ માણી શકે. બિચોલીમ તાલુકામાં આવેલા નાર્વે ખાતે માંડોવી નદીના કિનારા પર ઘાટઆરતીને મંજૂરી મળી છે.
નાર્વે સપ્તકોટેશ્વર મંદિર માટે પ્રખ્યાત છે જે ગોવામાં ભગવાન શિવને સમર્પિત સૌથી આદરણીય મંદિરોમાંનું એક છે. એક વાર પ્રોજેક્ટ પૂરો થઈ જાય પછી મુલાકાતીઓ અને ભક્તોને ઝગમગતા દીવાઓ, મંત્રોચ્ચાર અને પાણી પર પ્રતિબિંબથી ઘેરાયેલી પરંપરાગત સાંજની આરતીમાં ભાગ લેવાની તક મળશે. ગોવા કોસ્ટલ ઝોન મૅનેજમેન્ટ ઑથોરિટી (GCZMA)એ જરૂરી CRZ પરવાનગી આપી છે જેમાં ભાર મૂકવામાં આવ્યો કે તમામ માળખાં કામચલાઉ હોવાં જોઈએ અને નાજુક ઇકો-સિસ્ટમને સુરક્ષિત રાખવા માટે મૅન્ગ્રોવ્સ બફર ઝોનથી દૂર આવેલાં હોવાં જોઈએ. આ પ્રોજેક્ટ દસથી ૧૨ મહિનામાં પૂરો થવાની અપેક્ષા છે. આ પ્રોજેક્ટમાં કુલ રોકાણ આશરે ૧૦.૫ કરોડ રૂપિયાનું છે. નદીકિનારે આરતી પ્લૅટફૉર્મ તૈયાર કરવામાં આવશે અને નદીમાં ભગવાન શિવની ભવ્ય પ્રતિમા લગાવવામાં આવશે.