23 January, 2026 08:42 AM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે મધ્ય પ્રદેશના ધારમાં આવેલા વાદગ્રસ્ત ભોજશાલા કૉમ્પ્લેક્સમાં સરસ્વતીપૂજાની તૈયારી કરતા હિન્દુઓ.
સુપ્રીમ કોર્ટે વસંતપંચમી પર મા વાગ્દેવીની પૂજાના આયોજનને ધ્યાનમાં રાખીને મધ્ય પ્રદેશના ધારમાં આવેલા ઐતિહાસિક ભોજશાલા પરિસરના ઉપયોગને લઈને ગઈ કાલે નિર્ણય સંભળાવ્યો હતો. કોર્ટના આદેશ મુજબ ભોજશાલામાં આજે સરસ્વતી પૂજા અને નમાજ બન્ને થશે. સવારે પૂજા થશે અને બપોરે એકથી ત્રણમાં અહીં મુસ્લિમો નમાજ પઢશે.
ભોજશાલામાં ધાર્મિક કાર્યક્રમોને લઈને અનેક વાર વિવાદ થતા આવ્યા છે. જોકે લેટેસ્ટ ૨૦૦૩ના કોર્ટના આદેશ મુજબ ભોજશાલા પરિસરમાં સાંપ્રદાયિક હિંસા ફેલાયા પછી એવું નક્કી થયું હતું કે દર મંગળવાર અને વસંતપંચમીના દિવસે સવારથી સાંજ હિન્દુઓને પૂજાની અનુમતિ આપવામાં આવી હતી. શુક્રવારે જુમ્માની નમાઝ પઢવાની પરવાનગી હતી. બાકીના પાંચ દિવસોમાં ભોજશાલા પર્યટકો માટે ખુલ્લી રહે છે. જોકે ૨૦૧૨માં શુક્રવારે વસંતપંચમી આવતાં ધારમાં બે કોમો વચ્ચે માહોલ બગડી ગયો હતો. આ વર્ષે ફરીથી વસંતપંચમી અને શુક્રવાર એકસાથે આવતાં હોવાથી પહેલેથી જ ભોજશાલામાં કયો કાર્યક્રમ થશે એ વિશે કોર્ટમાં અરજી થઈ હતી, જેમાં સુપ્રીમ કોર્ટે વચલો રસ્તો કાઢ્યો હતો.
આદેશ શું?
સરસ્વતી પૂજા હિન્દુઓ માટે મહત્ત્વની હોવાથી સવારે સાતથી બપોરે એક વાગ્યા સુધી પૂજા અને અનુષ્ઠાનો થશે. શુક્રવારની જુમ્માની નમાજ મોટી હોવાથી બપોરે એકથી ત્રણમાં મુસ્લિમો અહીં નમાજ પઢી શકશે. એ પછી ફરીથી હિન્દુ પૂજાવિધિ શરૂ કરી શકાશે.
સુરક્ષાવ્યવસ્થા
બન્ને કોમો વચ્ચે કોઈ પણ પ્રકારની ધાર્મિક લાગણીઓ ન દુભાય અને અવાંછનીય ઘટના આકાર ન લે એ માટે કડક સુરક્ષાવ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ભોજશાલાનાં છ સેક્ટરોમાં ૩૦૦ CCTV કૅમેરા લગાવવામાં આવ્યા છે. આખા ધાર શહેરમાં પણ ૭૦૦ CCTV કૅમેરા લગાવવામાં આવ્યા છે. ડ્રોન અને આર્ટિફિશ્યલ ઇન્ટજિલન્સ (AI)થી ભીડ પર નજર રાખવામાં આવશે. AIથી ભીડ ટ્રૅક કરવામાં આવશે. ૮૦૦૦થી વધુ પોલીસો તહેનાત રહેશે.
આજે વસંત પંચમી છે. કલા, જ્ઞાન અને વિદ્યાની દેવી મા સરસ્વતીનો ઉદ્ભવ આ દિવસે થયો હોવાનું મનાય છે. પૂર્વના દેશોમાં જે નવરાત્રિ દરમ્યાન મા દુર્ગાનો ઉત્સવ ધામધૂમથી ઊજવાય છે એવું જ વસંત પંચમીએ સરસ્વતીદેવીની પૂજાનું છે. કલકત્તામાં હાથમાં સિતાર કે વીણા લઈને બિરાજેલાં પરંપરાગત લુક ધરાવતાં સરસ્વતીદેવીની મૂર્તિઓ બની છે જેને લોકોએ પોતાના ઘરે સ્થાપિત કરી છે. ઝારખંડમાં પ્રસિદ્ધ મૂર્તિકાર અજય પાલે પરંપરા અને ટેક્નિકનો ઉપયોગ કરીને AIની મદદથી મા સરસ્વતીની પ્રતિમાનું નિર્માણ કર્યું છે. તેમણે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ની બ્લુપ્રિન્ટની મદદથી પ્રતિમા ડિઝાઇન કરી છે અને પછી એને પોતાના હાથથી માટીને ઓપ આપ્યો છે. AI આધારિત સરસ્વતીદેવીનું સ્વરૂપ શાંત, સૌમ્ય અને દિવ્ય છે જેને બેહદ આકર્ષક રીતે રજૂ કરવામાં આવી છે.