03 December, 2025 06:58 AM IST | Kashi | Gujarati Mid-day Correspondent
વેદમૂર્તિ દેવવ્રત રેખે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વેદમૂર્તિ દેવવ્રત રેખેની પ્રશંસા કરીને તેમને અભિનંદન આપ્યાં છે. આના કારણે અચાનક ૧૯ વર્ષના વેદમૂર્તિ દેવવ્રત રેખે વિશે વ્યાપક ચર્ચા શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને કાશીમાં વેદમૂર્તિ દેવવ્રતની વ્યાપક ચર્ચા થઈ રહી છે. વેદમૂર્તિ દેવવ્રત રેખેએ જેને મુશ્કેલ કસોટી તરીકે ઓળખવામાં આવે છે એ દંડક્રમ પારાયણ કર્યું છે.
નરેન્દ્ર મોદીએ ગઈ કાલે વેદમૂર્તિ દેવવ્રત રેખે વિશે પોસ્ટ કરી હતી. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે ‘વેદમૂર્તિ દેવવ્રત રેખેની સિદ્ધિઓને આવનારી પેઢીઓ સુધી યાદ રાખવામાં આવશે. ભારતીય સંસ્કૃતિને પ્રેમ કરનારા દરેકને તેમના પર ગર્વ છે કે તેમણે શુક્લ યજુર્વેદની માધ્યંદિની શાખાના ૨૦૦૦ મંત્રોનો પાઠ દંડક્રમ પારાયણ ફક્ત ૫૦ દિવસમાં કોઈ વિક્ષેપ વિના પૂરો કર્યો છે. તેમણે અસંખ્ય વૈદિક શ્ળોકો અને પવિત્ર શબ્દોનો કોઈ પણ ઉચ્ચારણના દોષ વિના સંપૂર્ણ પાઠ કર્યો છે. તેઓ આપણી ગુરુપરંપરાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.’
૨૦૦૦ મંત્રોનું દંડક્રમ પારાયણ
વાસ્તવમાં શુક્લ યજુર્વેદની માધ્યંદિની શાખાના ૨૦૦૦ મંત્રોનું દંડક્રમ પારાયણ છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહ્યું હતું અને વેદમૂર્તિ દેવવ્રત રેખેએ એને ૫૦ દિવસમાં કોઈ વિક્ષેપ વિના પૂરું કર્યું હતું. એટલું જ નહીં, વેદમૂર્તિ દેવવ્રત રેખેએ દંડક્રમ પારાયણ સૌથી ઓછા સમયમાં, ફક્ત ૫૦ દિવસમાં પૂરું કર્યું હતું. તેમનું પઠન દોષરહિત હતું, જેને કારણે તેમનું નામ ઇતિહાસમાં અંકિત થયું છે.
વેદમૂર્તિ દેવવ્રત રેખે કોણ છે?
મહારાષ્ટ્રના અહિલ્યાનગરના રહેવાસી વેદમૂર્તિ દેવવ્રત રેખેના પિતાનું નામ વેદબ્રહ્મશ્રી મહેશ રેખે છે. વેદમૂર્તિ દેવવ્રત રેખે વારાણસીના સાંગવેદ વિદ્યાલયના બટુક છે. દંડક્રમ પારાયણ ખૂબ જ મુશ્કેલ પરીક્ષા તરીકે જાણીતી છે, જેના માટે વેદમૂર્તિ દેવવ્રત રેખેએ નિયમિત ૪ કલાક અભ્યાસ કર્યો હતો. તેઓ દરરોજ સવારે ૮ વાગ્યાથી બપોરે ૧૨ વાગ્યા સુધી અભ્યાસ કરતા હતા.
૨૦૦ વર્ષ પછી પારાયણ
વિશ્વમાં ફક્ત બે દંડક્રમ પારાયણ થયાં છે. ૨૦૦ વર્ષ પહેલાં નાશિકમાં વેદમૂર્તિ નારાયણ શાસ્ત્રી દેવ દ્વારા એક કરવામાં આવ્યું હતું અને કાશીમાં વર્તમાન દંડક્રમ પારાયણ વેદમૂર્તિ દેવવ્રત રેખે દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે બીજી ઑક્ટોબરથી ૩૦ નવેમ્બર દરમ્યાન કાશીમાં દંડક્રમ પારાયણ કર્યું હતું. આ દંડક્રમ પાઠ કાશીના રામઘાટસ્થિત વલ્લભરામ શાલિગ્રામ સાંગવેદ વિદ્યાલયમાં યોજાયું હતું અને પૂર્ણાહુતિ શનિવારે થઈ હતી. વેદમૂર્તિ દેવવ્રત રેખેને સોનાનું કંગન અને ૧,૦૧,૧૧૬ રૂપિયાની રકમથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન તેમને શ્રૃંગેરી શંકરાચાર્યના આશીર્વાદરૂપે આપવામાં આવ્યું હતું.
દંડક્રમ પારાયણ શું છે?
દંડક્રમ પારાયણ એ શુક્લ યજુર્વેદની માધ્યંદિની શાખાના લગભગ ૨૦૦૦ મંત્રોની કસોટી છે. વેદ પાઠના ૮ પ્રકારોમાંથી એક દંડક્રમ પારાયણ સૌથી મુશ્કેલ માનવામાં આવે છે. આ મંત્રો કંઠસ્થ કરવામાં આવે છે અને પછી એનો પાઠ કરવામાં આવે છે. એની જટિલ સ્વર-પૅટર્ન અને મુશ્કેલ ઉચ્ચારણોના કારણે દંડક્રમને વૈદિક પાઠનો મુગટ માનવામાં આવે છે. એમાં એકસાથે શ્ળોકોને એક અનન્ય શૈલીમાં ઊલટા અને આગળના ક્રમમાં પાઠ કરવાનો સમાવેશ થાય છે.