17 July, 2026 07:11 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભારતમાં E20 પેટ્રોલના દેશવ્યાપી વેચાણ પછી એન્જિનને થયેલા નુકસાન વિશેનો ગ્રાહક સુરક્ષા કોર્ટનો ચુકાદો ગ્રાહકની તરફેણમાં આવ્યો છે. રાયપુર ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશને વાહનનિર્માતા અને ડીલરને વાહનના રિપેરિંગનો સંપૂર્ણ ખર્ચ, માનસિક ત્રાસ અને કાનૂની ખર્ચ પેટે વળતર ચૂકવવાનો સખત આદેશ આપ્યો છે. ગ્રાહકની ફરિયાદ હતી કે ૨૦ ટકા એથનૉલ ધરાવતું E20 પેટ્રોલ પુરાવ્યા બાદ તેની ગાડીના એન્જિનમાં મિસફાયરિંગ અને માઇલેજ ઘટવા જેવી ગંભીર ખામીઓ સર્જાઈ હતી અને વારંવાર સર્વિસ-સેન્ટરના ધક્કા ખાવા છતાં કોઈ કાયમી ઉકેલ આવ્યો નહોતો.
કંપનીઓએ દલીલ કરી હતી કે ગાડી E20 ઈંધણ માટે સક્ષમ છે, પરંતુ કોર્ટે નોંધ્યું કે પેટ્રોલ-પમ્પ પર મોટા ભાગે E20 પેટ્રોલ જ મળતું હોવાથી ગ્રાહક પાસે અન્ય કોઈ પ્રૅક્ટિકલ વિકલ્પ બચતો નથી, જેથી ગ્રાહકનો કોઈ વાંક નથી.