જૈનોની શાકાહારી જીવનશૈલીને વિશ્વભરમાં માન્યતા મળી છે

09 November, 2025 09:41 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

બે દાયકા પહેલાં માંસાહારનો ત્યાગ કર્યા પછી આક્રમકતા અને અહંકાર જતાં રહ્યાં છે એવો એકરાર કરીને ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાક્રિષ્નન કહે છે...

ગઈ કાલે દિલ્હીમાં જૈનાચાર્ય શ્રી હંસરત્ન સૂરીશ્વરજી મહારાજસાહેબના આઠમા ૧૮૦ ઉપવાસના પારણા મહોત્સવમાં ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાક્રિષ્ણન ઉપસ્થિત રહ્યા હતા.

ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાક્રિષ્નને શનિવારે નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે જૈનોની શાકાહારી જીવનશૈલીને પર્યાવરણીય જવાબદારીના એક મૉડલ તરીકે વિશ્વભરમાં માન્યતા આપવામાં આવી છે અને તેઓ બે દાયકા પહેલાં શાકાહારી બન્યા હતા.

જૈનાચાર્ય શ્રી હંસરત્ન સૂરીશ્વરજી મહારાજસાહેબના આઠમા ૧૮૦ ઉપવાસના પારણા સમારોહ નિમિત્તે અહીં એક કાર્યક્રમને સંબોધતાં ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે ‘જૈન આધ્યાત્મિક નેતાઓ દ્વારા પ્રચારિત અહિંસા એ વિશ્વશાંતિ લાવવાનો માર્ગ છે. શાકાહાર, પ્રાણીઓ પ્રત્યે કરુણા અને ટકાઉ જીવનશૈલીની જૈન જીવનશૈલીને પર્યાવરણીય જવાબદારીના એક મૉડલ તરીકે વિશ્વભરમાં માન્યતા આપવામાં આવે છે.’

માંસાહારીમાંથી શાકાહારી બન્યા

પોતાની વાત કરતાં ઉપરાષ્ટ્રપતિએ કહ્યું હતું કે ‘મને માંસાહારી ખોરાકનો શોખ હતો, પરંતુ ૨૦૦૦માં કાશીની મુલાકાત પછી મેં માંસાહારી ભોજન છોડી દીધું હતું. ગંગામાં પવિત્ર ડૂબકી લગાવતાં પહેલાં સૌથી વધુ ગમતી વસ્તુ છોડી દેવાની પ્રથાને અનુસરીને મેં માંસાહારી ખોરાક છોડી દીધો હતો. જ્યારે તમે માંસાહારી ખોરાક લો છો ત્યારે પરિસ્થિતિ અલગ હોય છે, જ્યારે તમે શાકાહારી (ખોરાક) લો છો ત્યારે તમારી માનસિકતા સંપૂર્ણપણે અલગ હોય છે. આ મારો અનુભવ છે. આક્રમકતા ગઈ છે, ધીરજ આવી ગઈ છે અને અહંકાર ગયો છે.’

વડા પ્રધાન કરે છે ઉપવાસ
ઉપવાસ માટે જરૂરી આંતરિક શક્તિ વિશે વાત કરતાં સી. પી. રાધાક્રિષ્નને કહ્યું હતું કે ‘મને એ જાણીને આશ્ચર્ય થયું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી નવરાત્રિ દરમ્યાન નવેય દિવસ ઉપવાસ કરે છે. હું નવરાત્રિ દરમ્યાન વડા પ્રધાન મોદીને મળ્યો હતો અને તેમને પૂછ્યું હતું કે શું તેઓ કંઈક ખાવા માગે છે, પરંતુ મોદીએ મને કહ્યું કે તેઓ નવરાત્રિના ૯ દિવસ ઉપવાસ કરે છે. મને આશ્ચર્ય થયું કે તેઓ આટલા ઉત્સાહી અને ઊર્જાવાન કેવી રીતે છે.’ 

national news india jain community indian government delhi news new delhi lifestyle news