નોએડામાં પગારવધારા માટે કર્મચારીઓનું હિંસક પ્રદર્શન

14 April, 2026 11:33 AM IST  |  Noida | Gujarati Mid-day Correspondent

૫૦ ફૅક્ટરીમાં તોડફોડ કરી, શોરૂમની બહારની ૧૫૦+ ગાડીઓ તોડી અને ૫૦+ ગાડીઓમાં આગ લગાડી

નોએડામાં કર્મચારીઓએ મચાવેલી ધમાલ

નોએડાના ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં આવેલી અનેક કંપનીઓના ૧૦૦૦થી વધુ કર્મચારીઓ પગારવધારાને લઈને છેલ્લા પાંચ દિવસથી પ્રદર્શન કરી રહ્યા છે. લગભગ ૫૦૦થી વધુ કર્મચારીઓ મધરસન નામની કંપનીની બહાર ભેગા થયા હતા. આ પ્રદર્શન સોમવારે હિંસક બની ગયું હતું. ૯ એપ્રિલથી પગારવધારાની માગણી લઈને ધરણાં પર બેઠેલા કામગારોની વાત કોઈ સાંભળતું નથી એવું તેમને લાગતાં સેંકડોની સંખ્યામાં લોકો લાકડીઓ લઈને રસ્તા પર ઊતરી આવ્યા હતા. કર્મચારીઓ એટલા વીફર્યા હતા કે તેમણે સેક્ટર-ટૂમાં અલગ-અલગ વિસ્તારોમાં આવેલી ૫૦થી વધુ ફૅક્ટરીઓમાં પથ્થરમારો કર્યો હતો અને તોડફોડ કરી હતી, બહાર પાર્ક કરાયેલી ૧૫૦થી વધુ ગાડીઓ તોડી હતી અને ૫૦ ગાડીઓ આગને હવાલે કરી હતી. ભીડને કાબૂમાં લેવા આવેલી પોલીસની ગાડીઓને પણ પ્રદર્શનકારીઓએ પલટાવી દીધી હતી. હાલત બગડતાં જ અનેક થાણાની પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. કર્મચારીઓએ પોલીસ પર પણ પથ્થરમારો કરતાં પોલીસે ટિયર ગૅસ છોડ્યો હતો.

પોલીસે ડઝનેક પ્રદર્શનકારીઓની અટક કરી હતી. આ ભીડ અને પ્રદર્શનકારીઓનો કોઈ નેતા નથી. લગભગ ૧૮થી ૩૦ વર્ષના યુવાન કર્મચારીઓ હિંસક પ્રદર્શન પર ઊતરી આવ્યા હતા. પરિસ્થિતિ જોઈને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે હાઈ લેવલ કમિટી બનાવી છે. તેમનું કહેવું છે કે ‘ઔદ્યોગિક ક્ષેત્રે અશાંતિ પેદા કરતા લોકોથી સાવધાન રહો. અમારી સરકાર શ્રમિકોની સાથે જ છે.’

ફૅક્ટરીના શ્રમિકોની મુખ્ય માગણીઓ શું છે?

 હરિયાણામાં લગભગ ૩૫ ટકા પગાર વધ્યો છે. એવી જ રીતે ઉત્તર પ્રદેશમાં પણ વધારવામાં આવે.

 ઓવરટાઇમ કરવા પર બમણું વેતન મળે.

 બોનસ સીધું બૅન્ક-ખાતામાં જ ટ્રાન્સફર કરવામાં આવે.

 દર મહિનાની ૧૦ તારીખ સુધીમાં પગાર મળે અને સૅલેરી-સ્લિપ પણ સાથે હોય. ૈૈૈ અઠવાડિયામાં એક દિવસની છુટ્ટી મળવી જોઈએ. રજાના દિવસે કામ કરાવવામાં આવે તો એનું બમણું વળતર મળે.

 ફૅક્ટરીઓમાં કામ કરતા માણસોની સુરક્ષા માટેના નિયમોનું પાલન થાય.

national news india noida haryana Crime News