01 December, 2025 08:54 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નાગરિકોને ફૉર્મ સબમિટ કરવામાં વધુ સમય મળે એ માટે દેશભરના ૧૨ રાજ્યો અને કેન્દ્રસાશિત પ્રદેશોમાં ચાલી રહેલી સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયાની અંતિમ તારીખ લંબાવવામાં આવી છે. ફૉર્મ ભરવાની તારીખ હવે ૪ ડિસેમ્બરને બદલે ૧૧ ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે. ડ્રાફ્ટ મતદારયાદી હવે ૯ ડિસેમ્બરને બદલે ૧૬ ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. અંતિમ મતદારયાદી ૨૦૨૬ની ૧૪ ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે. ટૂંકમાં મતદાતાઓ જોડવા કે નામ હટાવવાની પ્રક્રિયા માટે લોકોને અને બૂથ લેવલ ઑફિસરોને વધુ સમય મળશે અને ૧૧ ડિસેમ્બર સુધી એ કામ ચાલશે. SIR સુધારો ૧૩ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લાગુ છે.
ચૂંટણીપંચે શું કહ્યું?
બદલવામાં આવેલા સમયપત્રક વિશે ચૂંટણીપંચે જણાવ્યું હતું કે પોલિંગ-સ્ટેશનોની ગોઠવણી અથવા પુનર્ગઠનનું કાર્ય ૧૧ ડિસેમ્બર સુધીમાં પૂરું કરવું જોઈએ. કન્ટ્રોલ ટેબલ અપડેટ કરવાનું અને ડ્રાફ્ટ રોલ તૈયાર કરવાનું કાર્ય ૧૨થી ૧૫ ડિસેમ્બર દરમ્યાન હાથ ધરવામાં આવશે. ચૂંટણીપંચ ૧૬ ડિસેમ્બરે ડ્રાફ્ટ મતદારયાદી પ્રકાશિત કરે એ પછી મતદારો ૧૫ જાન્યુઆરી સુધી અપીલ અથવા વાંધા દાખલ કરી શકે છે.
ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઑફિસરોને ૧૬ ડિસેમ્બરથી ૭ ફેબ્રુઆરી સુધી મતગણતરી ફૉર્મ પર નિર્ણય લેવાનો અને દાવા અને વાંધાઓનો નિકાલ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. સમયપત્રકમાં ફેરફાર કરવાનો નિર્ણય બૂથ લેવલ ઑફિસરો (BLO) માટે મોટી રાહત હશે જેમણે હજી સુધી મતગણતરી ફૉર્મ એકત્રિત કરવાનું અને ડિજિટાઇઝ કરવાનું કાર્ય પૂરું કર્યું નથી.