લંડન, પૅરિસ અને બ્રસેલ્સમાં વપરાયું હતું એ TATP દિલ્હીના વિસ્ફોટમાં ઉપયોગમાં લેવામાં આવ્યું હતું?

16 November, 2025 08:58 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

ટ્રાઇએસિટોન ટ્રાઇપેરોક્સાઇડ નામના આ કેમિકલને શેતાનની માતા ગણવામાં આવે છે

ફાઇલ તસવીર

દિલ્હી કારવિસ્ફોટમાં ટ્રાઇએસિટોન ટ્રાઇપેરોક્સાઇડ (TATP) નામના કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. ભૂતકાળમાં ૨૦૦૫માં લંડન આત્મઘાતી બૉમ્બવિસ્ફોટ, ૨૦૧૫ના પૅરિસ હુમલા અને ૨૦૧૬માં બ્રસેલ્સ આત્મઘાતી બૉમ્બવિસ્ફોટમાં TATPનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

નૅશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિનના જણાવ્યા અનુસાર આ કેમિકલને ‘શેતાનની માતા’ તરીકે ઓળખવામાં આવે છે. TATP એક અત્યંત અસ્થિર પ્રાથમિક વિસ્ફોટક છે. એ સ્વયંભૂ પણ વિસ્ફોટ કરી શકે છે. એ ઘણી વાર ઇમ્પ્રૂવાઇઝ્ડ વિસ્ફોટકો બનાવવા માટે અન્ય રસાયણો સાથે એને ભેળવવામાં આવે છે. એ ગરમી, ઘર્ષણ અને આંચકા પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ છે અને મોટા ભાગના કમર્શિયલ અથવા લશ્કરી વિસ્ફોટકોથી વિપરીત એમાં કોઈ નાઇટ્રોજનયુક્ત પદાર્થ નથી જેના કારણે પરંપરાગત પદ્ધતિઓ દ્વારા એને શોધવાનું મુશ્કેલ બને છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે ફરીદાબાદ મૉડ્યુલમાંથી મળેલી સામગ્રીમાં TATP એક અત્યંત અસ્થિર પ્રાથમિક વિસ્ફોટક અમોનિયમ નાઇટ્રેટ સાથે ભેળવવામાં આવ્યો હતો. ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરી (FSL)એ પણ આ કેસ સાથે જોડાયેલી કારમાં TATPની હાજરી શોધી કાઢી છે. એજન્સીઓ સૂચવે છે કે TATP ની હાજરીને કારણે કારમાં બિનઆયોજિત વિસ્ફોટ થયો હશે.

તપાસકર્તાઓને એવી પણ શંકા છે કે જમ્મુ અને કાશ્મીરના નૌગામ પોલીસ-સ્ટેશનમાં TATPને કારણે વિસ્ફોટ થયો હોઈ શકે છે, કારણ કે જપ્ત કરવામાં આવેલી બધી જ સામગ્રી આ પોલીસ-સ્ટેશનમાં સંગ્રહિત કરવામાં આવી હતી.

national news india blast bomb blast delhi news red fort