06 March, 2026 10:09 AM IST | Bihar | Gujarati Mid-day Correspondent
તેજસ્વી યાદવ
બિહારના રાજકારણમાં દાયકાઓ સુધી સત્તાના કેન્દ્રસ્થાને રહેલા નીતીશ કુમારે મુખ્ય પ્રધાનપદ છોડીને રાજ્યસભામાં જવાની જાહેરાત કરતાં જ બિહારનું રાજકીય તાપમાન ચરમસીમાએ પહોંચ્યું છે.
રાષ્ટ્રીય જનતા દલ (RJD)ના નેતા તેજસ્વી યાદવે આ નિર્ણયને બિહારની જનતા સાથેનો વિશ્વાસઘાત ગણાવીને ભારતીય જનતા પાર્ટી (BJP) પર આકરા આરોપો લગાવ્યા છે. તેમણે ગુરુવારે પત્રકારો સાથેની વાતચીતમાં એવો આક્ષેપ કર્યો હતો કે BJPએ નીતીશ કુમારને માર્ગમાંથી હટાવવા માટે પૂર્વઆયોજિત કાવતરું ઘડ્યું હતું.
વિપક્ષી નેતા તેજસ્વી યાદવે જણાવ્યું હતું કે ‘BJPએ બિહારમાં પણ મહારાષ્ટ્ર જેવી રમત રમીને સત્તાનું સમીકરણ બદલી નાખ્યું છે. BJP હંમેશાં OBC અને દલિતવિરોધી રહી છે અને એ એવો મુખ્ય પ્રધાન ઇચ્છે છે જે દિલ્હીના નેતૃત્વના આદેશ પર રબર-સ્ટૅમ્પની માફક કામ કરે.’
તેજસ્વી યાદવે એવો દાવો કર્યો છે કે RJD શરૂઆતથી જ કહેતું આવ્યું છે કે BJP ચૂંટણી પછી નીતીશ કુમારને લાંબો સમય મુખ્ય પ્રધાનપદ પર રહેવા દેશે નહીં.
તેજસ્વી યાદવે પોતાના અંદાજમાં કટાક્ષ કરતાં ઉમેર્યું હતું કે ‘નીતીશજી કો ઘોડા તો ચઢાયા હૈ દુલ્હા બનાકે, લેકિન ફેરા કિસી ઔર કે સાથ દિલા રહા હૈ!’ આ નિવેદન દ્વારા તેમણે સંકેત આપ્યો તો કે BJP નીતીશ કુમારને હટાવીને પોતાના કોઈ નેતાને મુખ્ય પ્રધાનપદ પર બેસાડવા માગે છે.
૨૦ વર્ષ સુધી સત્તામાં રહ્યા બાદ અધવચ્ચેથી મુખ્ય પ્રધાનપદ છોડવું એ લોકોના આદેશ વિરુદ્ધ છે એમ જણાવતાં તેજસ્વી યાદવે કહ્યું હતું કે ‘BJPનો એજન્ડા સમાજવાદી ગઢ ગણાતા બિહારમાં પોતાનો કટ્ટરવાદી એજન્ડા થોપવાનો છે. આ સમગ્ર ઘટનાક્રમ BJPના જ ચૂંટણીસૂત્રની અવગણના સમાન છે. BJPએ જ આપેલું સૂત્ર ‘પચ્ચીસ સે તીસ (૨૦૨૫થી ૨૦૩૦) ફિર સે નીતીશ’ હવે પોકળ સાબિત થયું છે.’