23 May, 2025 04:19 PM IST | Kolkata | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
નાની નાની વાતોની બાળકોના મન પર ઊંડી અસરો પડે છે. જો તેઓને બધાની સામે ઠપકો આપવામાં આવે તો તેઓ તેને અપમાન માને છે. દુઃખી થઈને, ઘણી વખત તેઓ ખોટા પગલાં લે છે. તાજેતરમાં પશ્ચિમ બંગાળના પાંસકુરામાં કંઈક આવું જ બન્યું છે. ધોરણ 7 ના એક વિદ્યાર્થીએ સુસાઇડ કરી લીધું. તેણે આવું પગલું ભર્યું કારણ કે તેની માતાએ તેને બધાની સામે ઠપકો આપ્યો હતો. આ આપઘાતને લઈને બાળકે એક સુસાઈડ નોટ છોડી છે, જે આઘાતજનક છે.
બાળકે પોતાની સુસાઇડ નોટમાં લખ્યું હતું, `મા, મેં ચોરી નથી કરી`. બાળકના આ છેલ્લા શબ્દો હૃદયદ્રાવક છે. ખરેખર, બન્યું એવું કે રવિવારે, બકુલ્ડા હાઈસ્કૂલના ૧૩ વર્ષના વિદ્યાર્થી કૃષ્ણેન્દુ દાસ પર એક મીઠાઈની દુકાનમાંથી ચિપ્સના ત્રણ પૅકેટ ચોરવાનો આરોપ મૂકવામાં આવ્યો. ગોસાઈનબર બજારમાં આવેલી આ મીઠાઈની દુકાન શુભંકર દીક્ષિત નામના નાગરિક સ્વયંસેવકની હતી. સ્થાનિક લોકોનું કહેવું છે કે શુભંકરની ગેરહાજરીમાં બાળકે દુકાનમાંથી ચિપ્સના 3 પૅકેટ ચોરી લીધા હતા.
ચિપ્સ ચોરવા બદલ બાળકને માર મારવામાં આવ્યો
જ્યારે દુકાનના માલિકે દુકાનથી થોડે દૂર ચિપ્સના પૅકેટ સાથે બાળકને જોયું, ત્યારે તે તેની પાછળ દોડ્યો. ચોરી અંગે તેની પૂછપરછ કરવામાં આવી. તેણે દુકાનદારને ચિપ્સના ત્રણ પૅકેટ માટે 15 રૂપિયા આપ્યા, જે દરેક પૅકેટ 5 રૂપિયાના ભાવે હતા. આ પછી પણ દુકાનદાર સંમત ન થયો. પૈસા પરત કરવાના બહાને, તે બાળકને દુકાનમાં પાછો લઈ ગયો અને તેને માર માર્યો. એટલું જ નહીં, દુકાનદારે બાળકને જાહેરમાં માફી પણ મગાવી.
માતાએ બધાની સામે ઠપકો આપ્યો એટલે આત્મહત્યા કરી
આ બધું બાળક સાથે બન્યું હતું અને તેની માતાને આ વાતની ખબર પડતાં જ તે તેને ફરીથી એ જ મીઠાઈની દુકાને લઈ ગઈ અને બધાની સામે તેને ઠપકો આપ્યો. ૧૩ વર્ષનો છોકરો આનાથી એટલો દુઃખી થયો કે તેણે ઘરે પાછા ફરતાની સાથે જ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. ગંભીર હાલતમાં, તેને તાત્કાલિક તામલુક મેડિકલ કૉલેજ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ગુરુવારે તેનું મૃત્યુ થયું.
પીડિત પરિવારનો આરોપ છે કે મીઠાઈની દુકાનના માલિકના વર્તનને કારણે બાળકને આટલું ભયાનક પગલું ભરવાની ફરજ પડી હતી. ત્યારથી દુકાન માલિક ફરાર છે. પરિવાર એવું પણ માને છે કે માતાના જાહેરમાં કરવામાં આવેલા ઠપકાનો પણ બાળકના મન પર ઊંડી અસર પડી હતી. માતાના ઠપકાથી બાળક ખૂબ જ દુઃખી હતો.
આ ઘટના એવા માતા-પિતા માટે કોઈ બોધપાઠથી ઓછી નથી જે દરેક નાની વાત માટે પોતાના બાળકોને બધાની સામે વઢે છે. કારણ કે આ ઉંમરે બાળકો ખૂબ જ સંવેદનશીલ હોય છે. તે તેને પોતાના અપમાન સાથે જોડે છે. ઘણી વખત તેઓ એવા પગલાં લે છે, જેના પછી પરિવાર પાસે પસ્તાવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. એટલા માટે માતાપિતાએ તેમના બાળકોને સંભાળતી વખતે ખૂબ કાળજી રાખવી જોઈએ. તેમને સમજાવો અને બધાની સામે ઠપકો ન આપો.