બંગાળ બદલાઈ રહ્યું છે

22 May, 2026 09:36 AM IST  |  West Bengal | Gujarati Mid-day Correspondent

પશ્ચિમ બંગાળની સિકલ બદલી નાખવા માટે સુવેન્દુ અધિકારીએ રાજ્યની કમાન સંભાળતાં જ ૧૨ દિવસમાં ૧૨ મોટા નિર્ણયો લીધા

મુખ્ય પ્રધાન બન્યા પછી સુવેન્દુ અધિકારી હુગલી નદીના પશ્ચિમ તટ પર આવેલા હાવડાના બેલૂર મઠમાં પહેલી વાર પહોંચ્યા ત્યારે સમર્થકો તેમને ઘેરી વળ્યા હતા. રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનનું મુખ્ય હબ ગણાતા બેલૂર મઠમાં સુવેન્દુ અધિકારીએ સંતોને સાષ્ટાંગ નમન કર્યું હતું.

હવે મદરેસા સહિત તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં ગવાશે વંદે માતરમ્ ઃ મસ્જિદો અને મદરેસાઓને અપાતી આર્થિક સહાય બંધ, તમામ ધર્મો માટે સમાન યોજનાઓઃ સિટિઝનશિપ અમેન્ડમેન્ટ ઍક્ટ લાગુ ઃ નવી કેન્દ્રીય ભારતીય ન્યાય સંહિતા સંપૂર્ણપણે લાગુ ઃ અન્ય પછાત વર્ગનું આરક્ષણ ૧૭ ટકાને બદલે થયું માત્ર ૭ ટકા

પશ્ચિમ બંગાળમાં BJPની સરકાર બની એ પછી જૂની તૃણમૂલ કૉન્ગ્રેસ (TMC)ની સરકાર દરમ્યાન લાગુ કરવામાં આવેલી નીતિઓને બદલીને નવું શાસન અને નવી હવા ફૂંકવાનું શરૂ કરી દીધું છે. સુવેન્દુ અધિકારીએ ચાર્જ સંભાળતાંની સાથે જ રાજકીય સુધારા, જનકલ્યાણ, આરક્ષણની નીતિઓ તેમ જ ભ્રષ્ટાચાર પર લગામ લાવવા માટે મોટા નિર્ણયો લાગુ કરી દીધા છે. જોઈએ કયા ૧૨ મોટા નિર્ણયો છે એ...

() TMC સરકારની લક્ષ્મી ભંડાર યોજના બંધ કરીને એની જગ્યાએ અન્નપૂર્ણા યોજના મંજૂર કરી. ૨૫થી ૬૦ વર્ષની મહિલાઓને દર મહિને ૩૦૦૦ રૂપિયાની આર્થિક સહાય ડાયરેક્ટ બૅન્ક-ખાતામાં મોકલવામાં આવશે. આ માટે અરજી કરવાનું પોર્ટલ પહેલી જૂનથી ખૂલશે.

() બંગાળમાં સિટિઝનશિપ અમેન્ડમેન્ડ ઍક્ટ (CAA) લાગુ. CAA અંતર્ગત આવતા ૬ સમુદાયો (હિન્દુ, સિખ, બુદ્ધિષ્ટ, જૈન, પારસી, ક્રિશ્ચિયન)ને અને ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં ભારત આવેલા નાગરિકોને આ કાનૂનનો લાભ મળશે.

() હવે પશ્ચિમ બંગાળમાં પણ કેન્દ્ર સરકારની આયુષમાન ભારત અને અન્ય કેન્દ્રીય યોજનાઓ લાગુ પડશે. આ યોજના અંતર્ગત ગરીબ પરિવારોને પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર મફત મળશે.

() રાજ્યમાં ઘણા સમયથી અટકી પડેલી જનગણના પ્રક્રિયા શરૂ કરવાનો આદેશ.

() સરકારી નોકરીઓ અને શિક્ષકોની ભરતીની તૈયારી કરતા યુવાઓને મોટી રાહત મળી. અરજી કરવાની ઉંમરમર્યાદામાં પાંચ વર્ષની છૂટ મળી. અલગ-અલગ ગ્રુપમાં ૪૧, ૪૪ અને ૪૫ વર્ષની મર્યાદા થઈ.

() રાજ્યના અધિકારીઓને કેન્દ્રીય તાલીમ માટે મોકલવામાં આવશે. રાજ્યના ઇન્ડિયન ઍડ્‌મિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS), ઇન્ડિયન પોલીસ સવિર્સ (IPS), વેસ્ટ બેન્ગૉલ પોલીસ સર્વિસ (WBPS)ના અધિકારીઓને કેન્દ્ર સરકાર દ્વારા અપાતી તાલીમમાં જોડીને રાજ્યની વ્યવસ્થામાં પણ કેન્દ્ર સાથે તાલમેલ સધાય એવું વાતાવરણ ઊભું થશે.

() જૂની સરકારે નવી ભારતીય ન્યાય સંહિતા સંપૂર્ણપણે લાગુ નહોતી કરી, પરંતુ હવે પશ્ચિમ બંગાળમાં પણ નવી કેન્દ્રીય ભારતીય ન્યાય સંહિતા સંપૂર્ણપણે લાગુ થશે.

() ધર્મ આધારિત કલ્યાણકારી યોજનાઓ બંધ કરવામાં આવી. મદરેસા વિભાગ અને અન્ય ધર્મો સાથે જોડાયેલી આર્થિક સહાયતા કરનારી યોજનાઓ જૂન મહિનાથી બંધ થશે. સરકાર હવે કોઈ ભેદભાવ વિના તમામ ધર્મો માટે સમાન યોજના ચલાવશે.

() ૬૬ સમુદાયોને અન્ય પછાત વર્ગ અંતર્ગત સામેલ કરીને તમામ સમુદાયો માટે ૭ ટકા આરક્ષણ કરી દીધું. TMCના સમયમાં આ આરક્ષણ ૧૭ ટકા હતું.

(૧૦) સરકારે ૨૦૧૧થી અત્યાર સુધીમાં ઇશ્યુ કરેલા જાતિ પ્રમાણપત્રોનું ફરીથી વેરિફિકેશન કરવામાં આવશે. ૧૫ વર્ષમાં અપાયેલાં આવાં ૧.૬૯ કરોડ જાતિગત પ્રમાણપત્રોની ફેરતપાસ થશે.

(૧૧) પશ્ચિમ બંગાળમાં પણ હવે તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં ‘વંદે માતરમ્’ ગાવું ફરજિયાત બનાવ્યું. આ નિયમ સરકારી મૉડલની મદરેસા, સરકારી સહાયતા મેળવતી તમામ સંસ્થાઓને લાગુ પડશે. 

(૧૨) પ્રશાસનને સુધારવા માટે સરકારી બોર્ડ્સ, નિગમોમાં અનેક પદાધિકારીઓને હટાવવામાં આવ્યા. રિટાયરમેન્ટ પછી ફરીથી નોકરીએ રાખવામાં આવેલા ઑફિસરોને પણ સર્વિસમાંથી હટાવવામાં આવ્યા.

બંગલાદેશીઓની ઘૂસણખોરી રોકવા માટે સુવેન્દુ અધિકારી સક્રિય થઈ ગયા: આંતરરાષ્ટ્રીય બૉર્ડર પર વાડ લગાવવા માટે BSFને સોંપી ૭૫ એકરની જમીન

પશ્ચિમ બંગાળની સરકારે બંગલાદેશમાંથી ઘૂસણખોરી રોકવા માટે એ દેશની સીમા પર વાડ  લગાવવાના કામને તેજ કર્યું છે. આ માટે તેમણે બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ (BSF)ને ૨૭ કિલોમીટરની જમીન સોંપી હતી. આ જમીન લગભગ ૭૫ એકરમાં ફેલાયેલી છે. સુવેન્દુ અધિકારીએ આ સાથે કહ્યું હતું કે ઘૂસણખોરી રોકવાના ઉદ્દેશ માટે BSFને ૨૭ કિલોમીટરની જમીન સોંપવી એ આ પ્રક્રિયાની શરૂઆત માત્ર છે. જરૂરી જમીન સોંપવાની પ્રક્રિયા આગામી બે વીકમાં પૂરી થઈ જશે. પશ્ચિમ બંગાળની જનતાના સહયોગ અને અત્યંત કુશળ અને પ્રભાવશાળી અધિકારીઓના સંચાલનને કારણે આ જમીનની સોંપણીનું કામ બે વીકમાં પૂરું થઈ જશે.  સુવેન્દુ અધિકારીએ એ પણ કહ્યું કે નવી સરકારના સત્તામાં આવ્યા પછી BSF અને રાજ્ય સરકારના અધિકારીઓ સાથે મળીને આ કામ ઝડપથી પાર પાડશે

પશ્ચિમ બંગાળ સાથે ૨૦૦૦ કિલોમીટરની બૉર્ડર 

બંગલાદેશની ભારત સાથે જોડાયેલી કુલ આંતરરાષ્ટ્રીય સીમા ૪૦૦૦ કિલોમીટરથી વધુની છે. એમાંથી ૨૦૦૦ કિલોમીટરથી વધુ જમીન પશ્ચિમ બંગાળના ભાગમાં છે. હાલમાં માત્ર ૧૪૦૦ કિલોમીટરની સીમા પર કાંટાદાર વાડ લાગી છે, જ્યારે ૬૦૦ કિલોમીટરનો વિસ્તાર વાડ વિનાનો છે. ગેરકાનૂની બંગલાદેશીઓની ઘૂસણખોરી અટકાવવા આ કામ બને એટલું ઝડપથી પૂરું કરવામાં આવશે. 

national news india west bengal bhartiya janta party bjp bharatiya janata party political news indian politics suvendu adhikari