૬૦-૭૦ ટકા લોકોનાં મોઢા પર તાળાં લાગ્યાં હોય ત્યારે કોઈ પ્રિડિક્શન કેવી રીતે થઈ શકે

01 May, 2026 09:32 AM IST  |  Kolkata | Gujarati Mid-day Correspondent

જાણીતી એજન્સી ઍક્સિસ માય ઇન્ડિયાએ પશ્ચિમ બંગાળનો એક્ઝિટ પોલ જાહેર કરવાની ના પાડી દીધી. કારણ?

ચૂંટણી-એજન્સીઓમાંની એક ‘ઍક્સિસ માય ઇન્ડિયા’એ બંગાળ માટે એક્ઝિટ પોલ જાહેર ન કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે

આખા દેશની નજર પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીના પરિણામ પર છે ત્યારે એક્ઝિટ પોલ બહાર પાડતી એજન્સીઓમાં પણ જોરદાર હલચલ મચી છે. જોકે ભારતની ભરોસાપાત્ર ચૂંટણી-એજન્સીઓમાંની એક ‘ઍક્સિસ માય ઇન્ડિયા’એ બંગાળ માટે એક્ઝિટ પોલ જાહેર ન કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. એજન્સીએ આ મોટો નિર્ણય જાહેર કરતાં કહ્યું હતું કે મતદાતાઓની ચુપકિદી સમજની બહાર હોવાથી સાચા આંકડા આપવાનું લગભગ અશક્ય છે.

‘ઍક્સિસ માય ઇન્ડિયા’ના મૅનેજિંગ ડિરેક્ટર પ્રદીપ ગુપ્તાએ કહ્યું હતું, ‘સર્વે દરમ્યાન ૬૦થી ૭૦ ટકા મતદાતાઓએ પોતાની પસંદ કહેવાની ના પાડી દીધી હતી. અમે લોકો સાથે આમનેસામને વાત કરીને તારણ કાઢીએ છીએ. અમે જ્યારે પહેલા ચરણના મતદાન પછી લોકો સાથે વાત કરવાની કોશિશ કરી તો ૬૦થી ૭૦ ટકા લોકોનાં મોં પર તાળાં લાગેલાં હતાં. તેઓ હા કે ના કહેવા માટે પણ તૈયાર નહોતા. જ્યારે લોકો ખૂલીને વાત ન કરે તો કોઈ આંકડો આપવો ખોટો ઠરશે. ખોટા આંકડા સંસ્થાની ક્રૅડિબિલિટી પર સવાલ ઉઠાવે છે એટલે અમે ડેટા જાહેર ન કરવાનો નિર્ણય લીધો છે.’

જનતા બોલવા નથી માગતી આ વાતને બંગાળમાં ફેલાયેલા ભયના માહોલ સાથે જોડવામાં આવી રહી છે. પ્રદીપ ગુપ્તાએ કહ્યું હતું, ‘માત્ર ૨૦-૩૦ ટકા લોકોના જવાબને ઝુકાવ નક્કી કરવા માટે પર્યાપ્ત ન ગણી શકાય. સાચું તારણ કાઢવું ખૂબ જ મુશ્કેલ છે.’

ટુડેઝ ચાણક્યના એક્ઝિટ પોલમાં પશ્ચિમ બંગાળમાં BJPને ૧૯૨ બેઠકનું અનુમાન

દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનું મતદાન થઈ ગયું છે. બુધવારે મતદાનના છેલ્લા તબક્કા પછી ‘ટુડેઝ ચાણક્ય’ એજન્સીએ ચાર રાજ્યોનાં પરિણામો કેવાં હશે એનો ચિતાર ગઈ કાલે આપ્યો હતો. ‘ટુડેઝ ચાણક્ય’ મુજબ પશ્ચિમ બંગાળમાં BJPને ૧૯૨ (પ્લસ ઑર માઇનસ ૧૧) બેઠકો સાથે સ્પષ્ટ બહુમત મળશે જ્યારે TMCને ૧૦૦ (પ્લસ ઑર માઇનસ ૧૧) બેઠકો પર જીત મળે એવી સંભાવના છે.

આસામમાં પણ NDAને ૧૦૨ બેઠકો મળશે જે જરૂરી ૬૪ બેઠકો કરતાં લગભગ બમણી હશે.

તામિલનાડુમાં દ્રવિડ મુન્નેત્ર કઝગમ (DMK)ને ૧૨૫ બેઠકો સાથે સ્પષ્ટ બહુમત મળે એવી સંભાવના છે. કેરલમમાં યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) અને લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF)ને અનુક્રમે ૬૯ અને ૬૪ બેઠકો પર જીત મળે એવી સંભાવના છે.

west bengal assembly elections mamata banerjee trinamool congress narendra modi bharatiya janata party congress national news political news indian politics