વૉટ્સઍપની ચીમકી

27 April, 2024 02:38 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

અમને કસ્ટમરોની પ્રાઇવસી ભંગ કરવા પર મજબૂર કરવામાં આવશે તો ભારતમાં સર્વિસ બંધ કરી દઈશું

આ મુદ્દે વધુ સુનાવણી ૧૪ ઑગસ્ટે

વૉટ્સઍપે ભારતમાં એની સર્વિસ બંધ કરી દેવાની ચેતવણી આપી છે. ભારતના ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી (IT)ના ૨૦૨૧ના નિયમને પડકારતી અરજી સંદર્ભે તેણે દિલ્હી હાઈ કોર્ટને જણાવ્યું હતું કે જો તેમને એન્ક્રિપ્શન તોડવા માટે મજબૂર કરવામાં આવશે તો કંપની ભારતમાં એની સર્વિસ બંધ કરી દેશે. વૉટ્સઍપે કહ્યું કે એનું એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ ફીચર એનો ઉપયોગ કરનારા લોકોની પ્રાઇવસી સુરક્ષિત કરવાનું કામ કરે છે. આ એ ફીચર છે જેને કારણે મેસેજના રિસીવર અને સેન્ડર સિવાય બીજું કોઇ એ વજાણી નથી શકતું કે મેસેજમાં શું લખ્યું છે. વૉટ્સઍપના વકીલ તેજસ કારિયાએ કોર્ટને જણાવ્યું કે આ પ્લૅટફૉર્મનો ઉપયોગ લોકો આ ફીચરને કારણે કરે છે અને એને કારણે પ્રાઇવસી જળવાઈ રહે છે, જો અમને એન્ક્રિપ્શન તોડવાનું કહેવામાં આવશે તો અમારી સેવા ચાલુ રાખી શકાશે નહીં.

કોર્ટને પોતાની પરેશાની જણાવતાં વૉટ્સઍપના વકીલે કહ્યું કે ‘ITના નિયમોને કારણે વૉટ્સઍપને લાખો મેસેજ જાળવી રાખવા પડશે. દુનિયાના કોઈ પણ દેશમાં આવું કરવામાં આવતું નથી. એ માટે કંપનીએ વ્યવસ્થા રાખવી પડશે અને અમને ખબર નથી કે કયા મેસેજને ડીક્રિપ્ટ કરવાનું કહેવામાં આવશે. એનો અર્થ એ છે કે લાખો-કરોડો મેસેજને વર્ષો સુધી સાચવી રાખવા પડશે.’

વૉટ્સઍપ પર સરકારનો જવાબ

કેન્દ્ર સરકારે કોર્ટને કહ્યું હતું કે વૉટ્સઍપ અને ફેસબુક કમર્શિયલ હેતુ માટે યુઝર્સની જાણકારીનું મૉનેટાઇઝેશન કરે છે, તેઓ કાનૂની રીતે ન કહી શકે કે તેઓ પ્રાઇવસીની રક્ષા કરે છે. વિભિન્ન દેશોના રેગ્યુલેટર્સનું માનવું છે કે આ માટે ફેસબુકની જવાબદારી નક્કી થવી જોઈએ. સરકારના વકીલ કીર્તિમાન સિંહે નિયમોના બચાવમાં દલીલ કરતાં કહ્યું કે ‘લોકોને એ ખબર છે કે સોશ્યલ મીડિયા પર શું થઈ શકે છે. આ નિયમ પાછળનો ઉદ્દેશ એ છે કે મેસેજ મોકલનારની જાણકારી મેળવવાની છે. મેસેજ મોકલનારનું ઍડ્રેસ મેળવવા માટે કોઈ સિસ્ટમ હોવી જોઈએ. વૉટ્સઍપને અમેરિકાની કૉન્ગ્રેસ સામે પણ આ મુદ્દે કઠ‌િન સવાલનો સામનો કરવો પડ્યો છે.’ બેઉ પક્ષની દલીલો સાંભળ્યા બાદ અદાલતે આ મુદ્દે વધુ સુનાવણી માટે ૧૪ ઑગસ્ટની તારીખ નક્કી કરી છે.

whatsapp national news tech news technology news