ગૂંચવણ જેવું લાગશે, પણ સરકારની વાત સાવ કાઢી નાખવા જેવી નથી

26 June, 2026 07:31 AM IST  |  Delhi | Ruchita Shah

એક તરફ પાસપોર્ટ જેવા હાઇએસ્ટ ડૉક્યુમેન્ટને પણ નાગરિકતાના પ્રૂફ તરીકે નકારવાને કારણે સોશ્યલ મીડિયા પર લોકો ટીકાની ઝડીઓ વરસાવી રહ્યા છે ત્યારે ઇન્ડિયન સિટિઝન ઍક્ટ અને પાસપોર્ટ ઍક્ટ આ બાબતમાં શું કહે છે એ વિશે વાત કરીએ

પ્રતીકાત્મક તસવીર

આજકાલ આધાર કાર્ડથી લઈને પાસપોર્ટ સુધીના બધા જ નકલી ડૉક્યુમેન્ટ્સ બની શકતા હોય ત્યારે દેશમાં ઘૂસણખોરી કરતા શંકાસ્પદ લોકોને પોતાની નાગરિકતા પુરવાર કરવા માટે એકથી વધુ ડૉક્યુમેન્ટ્સ આપવાની ફરજ પાડે એમાં સરકાર ખોટું શું કરે છે એવો સામો સવાલ નિષ્ણાતો સાથેની વાતચીતમાં સાંભળવા મળ્યો. એક તરફ પાસપોર્ટ જેવા હાઇએસ્ટ ડૉક્યુમેન્ટને પણ નાગરિકતાના પ્રૂફ તરીકે નકારવાને કારણે સોશ્યલ મીડિયા પર લોકો ટીકાની ઝડીઓ વરસાવી રહ્યા છે ત્યારે ઇન્ડિયન સિટિઝન ઍક્ટ અને પાસપોર્ટ ઍક્ટ આ બાબતમાં શું કહે છે એ વિશે વાત કરીએ

આટલી બધી આકરી તપાસ અને તમામ વેરિફિકેશન પછી પાસપોર્ટ ઇશ્યુ થતો હોય અને એના પર નાગરિકતામાં ભારતીય એવું લખ્યું પણ હોય અને એ પછીયે જો ભારતીય પાસપોર્ટ તમને ભારતીય નાગરિકતાનું પ્રમાણ ન આપતું હોય એ કેવું? આ શું મજાક ચાલે છે? આ મુદ્દો સોશ્યલ મીડિયા પર અત્યારે ચર્ચાઈ રહ્યો છે.

એમાં બન્યું એવું કે વિદેશમંત્રાલયને પાસપોર્ટ સેવા દિવસ નિમિત્તે યોજાયેલી પ્રેસ-બ્રીફિંગમાં પાસપોર્ટની કાનૂની સ્થિતિ વિશે પૂછવામાં આવ્યું ત્યારે વિદેશમંત્રાલયના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું કે પાસપોર્ટ એ મુખ્યત્વે એક પ્રવાસ-દસ્તાવેજ છે જે વિદેશમાં ભારતીય નાગરિકની ઓળખ પ્રસ્થાપિત કરે છે, પરંતુ એને ભારતની નાગરિકતાના નિર્ણાયક અથવા અંતિમ પુરાવા તરીકે ગણવો જોઈએ નહીં. આ નિવેદન બહાર આવતાંની સાથે જ સોશ્યલ મીડિયા પર લોકોએ વિરોધ શરૂ કર્યો. ગીતકાર જાવેદ અખ્તરે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર લખ્યું કે આ અત્યંત હાસ્યાસ્પદ છે, જો સરકાર પોતે જ આપેલા પાસપોર્ટને નાગરિકતાનો પુરાવો નથી માનતી તો પછી કોઈ સામાન્ય નાગરિક પોતાની નાગરિકતા કેવી રીતે સાબિત કરશે? વિપક્ષી નેતાઓએ પણ સવાલ ઉઠાવ્યો કે જો પાસપોર્ટ પર નૅશનલિટીમાં ઇન્ડિયન લખેલું હોય તો સરકાર પોતાની જ સિસ્ટમ પર શંકા કેમ કરી રહી છે?

વિરોધ સાવ કાઢી નાખવા જેવો તો નથી. જો ભારતીય પાસપોર્ટ તમે ભારતીય નાગરિક છો એવું પ્રૂવ નથી કરતો તો બીજો કયો પુરાવો ગણાય તમારી ભારતીય નાગરિકતાનો? આધાર કાર્ડ, જવાબ ના. પૅન કાર્ડ, જવાબ ના, વોટર ID, જવાબ ના. તો શું? આ મુદ્દાને વધુ ઊંડાણ સાથે સમજવા અને પાસપોર્ટ શું કામ નહીં એના કારણને સમજવા નિષ્ણાતોએ શું કહ્યું એ જાણી લો.

પહેલાં કાયદો સમજીએ

કાયદાકીય દૃષ્ટિએ ઓળખનો પુરાવો અને નાગરિકતાનો પુરાવો બન્ને અલગ બાબતો છે. આ સંદર્ભે બૉમ્બે બાર અસોસિએશનના પ્રમુખ અને સિનિયર ઍડ્વોકેટ નીતિન ઠક્કર કહે છે, ‘આ કોઈ નવો નિયમ નથી, વિદેશમંત્રાલયે રાતોરાત ઊભી કરેલી કોઈ વાત નથી. પહેલેથી જ કાયદામાં આ રીતની જોગવાઈ છે. લોકોની એ દલીલ સાચી છે કે તમામ બેઝ ડૉક્યુમેન્ટ્સના આધારે જ પાસપોર્ટ બનતો હોય છે. પાસપોર્ટમાં વ્યક્તિના વૅલિડ ડૉક્યુમેન્ટ્સ સ્વીકારીને પોલીસ-વેરિફિકેશન પછી ભારતીય નાગરિક હોય તેમને જ પાસપોર્ટ અપાય છે, પરંતુ એ પછીયે કાયદા મુજબ પાસપોર્ટ ઍક્ટ અને સિટિઝનશિપ ઍક્ટ જુદા છે અને બન્નેની જુદી જોગવાઈ છે. બીજું, આપણે ઓળખપત્ર અને નાગરિકત્વનો ભેદ પણ સમજવો જોઈએ. આધાર કાર્ડ, વોટર ID કે પાસપોર્ટ એ તમારી ઓળખ અને સરનામું સાબિત કરે છે, પરંતુ ભારતની નાગરિકતા ‘નાગરિકતા કાયદા ૧૯૫૫’ હેઠળ નક્કી થાય છે જેમાં જન્મનો દાખલો અને શંકાસ્પદ કેસમાં એને સપોર્ટિંગ ડૉક્યુમેન્ટ આપીને નાગરિકત્વ સાબિત કરવું પડે છે. ૨૦૧૩માં બૉમ્બે હાઈ કોર્ટ ઑલરેડી એક કેસમાં આવો ચુકાદો આપી ચૂકી છે.’

અહીં ઉલ્લેખનીય છે કે આ વર્ષની શરૂઆતમાં એટલે કે ૨૦૨૬ની ૨૮ જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચ સમક્ષ અશ્વિનીકુમાર ઉપાધ્યાય વિરુદ્ધ ભારત સરકારની એક અરજી પર સુનાવણી થઈ હતી. ચૂંટણીપંચ દ્વારા બિહાર અને અન્ય રાજ્યોમાં મતદારયાદીની સુધારણા માટે સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) નામની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયાનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે માત્ર અસલી ભારતીય નાગરિકો જ મતદાન કરી શકે અને ઘૂસણખોરો કે વિદેશીઓ વોટ ન આપી શકે. અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે આધાર કાર્ડ સરળતાથી નકલી બની શકે છે એટલે એનો ઉપયોગ નાગરિકતા કે વોટર ID વેરિફિકેશન માટે ન થવો જોઈએ. આ સુનાવણી દરમ્યાન જસ્ટિસ જોયમાલ્યા બાગચીએ ટિપ્પણી કરી હતી કે ‘જો આધાર કાર્ડ નકલી બની શકતું હોય તો પાસપોર્ટ પણ નકલી બની શકે છે. આધાર એ ઓળખનો દસ્તાવેજ છે, નાગરિકતાનો નહીં.’

આ કેસને કારણે પણ નાગરિકતા સાબિત કરવા માટે કયો દસ્તાવેજ યોગ્ય એ ચર્ચા ચાલી રહી હતી.

તો હું કયા દેશનો નાગરિક?

રાઇટ ટુ ઇન્ફર્મેશન ઍક્ટના સિનિયર ઍક્ટિવિસ્ટ શૈલેષ ગાંધી અત્યારે ૭૯ વર્ષના છે. તેમનો જન્મ ૧૯૫૦ પહેલાંનો છે. શૈલેષભાઈ કહે છે, ‘સિટિઝનશિપ ઍક્ટના બ્રૅકેટમાં મારો તો ઉલ્લેખ જ નથી. મેં જ્યારે આધાર કાર્ડ બનાવ્યું ત્યારે મારી પાસે કોઈ બર્થ-પ્રૂફ નહોતું મગાયું. વર્બલી મેં જે તારીખ કહી એ લખી દેવામાં આવી હતી. મારી પાસે બર્થ-સર્ટિફિકેટ જ નથી તો શું હું ભારતનો નાગરિક નથી? સરકારની આ સ્પષ્ટતાએ લોકોમાં મૂંઝવણ જગાવી જ છે. અચાનક પોતાના દેશના નાગરિક છે કે નહીં એવી શંકા જાગે તથા પોતે અત્યાર સુધી જેને મહત્ત્વના અને મુખ્ય દસ્તાવેજ તરીકે ગણતા હતા એ દસ્તાવેજનો નાગરિકત્વ સાથે કોઈ લેવાદેવા નથી એ વાત ૧૦૦ ટકા વ્યક્તિમાં ઊહાપોહ તો જગાડશે જ એમાં કોઈ બેમત નથી. હવે તમે જ કહો કે ભારતમાં ચૂંટણીમાં માત્ર ભારતના નાગરિકોને જ વોટ આપવાનો અધિકાર છે. એટલે તમારી પાસે વોટર ID હોય એનો અર્થ એ કે તમે ભારતના નાગરિક છો; પરંતુ અહીં તો વોટર IDને પણ નાગરિકત્વના સર્ટિફિકેટ તરીકે નથી સ્વીકારાતું, કારણ કે ફેક વોટર ID પણ બની રહ્યાં છે. આમાં ખરેખર આ દેશના નાગરિકોનો વાંક છે કે સરકારનો કે તેમના નાક નીચે આવા ફેક ડૉક્યુમેન્ટ્સ બની જાય છે? વચ્ચે નૅશનલ સિટિઝન્સ રજિસ્ટર બનાવવાની વાત ચાલતી હતી, પરંતુ એ દરમ્યાન બંગાળની બૉર્ડરથી ઘૂસણખોરી રોકવા અને અન્ય દેશમાં રહેતા હિન્દુ, જૈન અને બૌદ્ધ સંપ્રદાયને સીધી જ સિટિઝનશિપ પ્રોવાઇડ કરતો સિટિઝનશિપ અમેન્ડમેન્ટ અૅક્ટ (CAA) નામનો કાયદો આવવાની દિશામાં કામ શરૂ થયું, એનો વિરોધ થયો અને આખી વાત લટકી પડી. આ દિશામાં ઉકેલ ગૂંચવણભર્યો જ છે.’

સિટિઝન શિપ ઍક્ટ ૧૯૫૫ શું કહે છે?
નાગરિકતા અધિનિયમ ૧૯૫૫ હેઠળ ભારતમાં જન્મેલી વ્યક્તિને કઈ રીતે નાગરિકતા મળશે એ આખી પ્રક્રિયાને મુખ્યત્વે ૩ ભાગમાં વહેંચવામાં આવી છે...
જો તમારો જન્મ ૧૯૫૦ની ૨૬ જાન્યુઆરીથી ૧૯૮૭ની પહેલી જાન્યુઆરી પહેલાં થયો હોય... 
આ ગાળા દરમ્યાન જે પણ વ્યક્તિનો જન્મ ભારતમાં થયો હોય તે માત્ર જન્મના આધારે જ ભારતની નાગરિક બને છે. આમાં માતા-પિતા ક્યાંના નાગરિક છે કે તેમની પાસે કયા દસ્તાવેજો છે એ જોવામાં આવતું નથી. માત્ર ભારતમાં જન્મ થયો હોવો પૂરતો છે.
જો તમારો જન્મ ૧૯૮૭ની પહેલી જાન્યુઆરીથી ૨૦૦૪ની ૩ ડિસેમ્બર સુધીમાં થયો હોય...
આ સમયગાળામાં માત્ર ભારતમાં જન્મ લેવાથી નાગરિકતા નથી મળતી. જન્મ સમયે બાળકની માતા અથવા પિતા બેમાંથી કોઈ એક ભારતનો નાગરિક હોવો ફરજિયાત છે. ૧૯૮૬ના કાયદાકીય સુધારા દ્વારા આ ફેરફાર અમલમાં આવ્યો હતો જેથી બહારથી આવતા લોકોનાં ભારતમાં જન્મેલાં બાળકોને સીધી નાગરિકતા મળતી અટકાવી શકાય.
જો તમારો જન્મ ૨૦૦૪ની ૩ ડિસેમ્બર પછી થયો હોય...
આ ગાળામાં જન્મેલા બાળકને ભારતની નાગરિકતા ત્યારે જ મળે જો બાળકના જન્મ સમયે તેનાં માતા-પિતા બન્ને ભારતનાં નાગરિક હોય અથવા માતા-પિતામાંથી કોઈ એક ભારતીય નાગરિક હોય અને બીજી વ્યક્તિ જન્મ સમયે ઇલીગલ માઇગ્રન્ટ ન હોય. 

વિવિધ ડૉક્યુમેન્ટ્સ વચ્ચેનો ફરક સમજો
 આધાર કાર્ડ : માત્ર રહેઠાણનો પુરાવો છે, નાગરિકતાનો નહીં.
 પૅન કાર્ડ : માત્ર ટૅક્સ હેતુઓ માટેનું આઇડેન્ટિફિકેશન પ્લૅટફૉર્મ છે.
 રૅશન કાર્ડ : માત્ર કલ્યાણકારી યોજનાઓના વિતરણ માટેનું સાધન છે.
 જન્મનું પ્રમાણપત્ર : આ દસ્તાવેજ પણ તમારી ઉંમર અને જન્મના સ્થળનો આખરી પુરાવો છે. જોકે જો ક્યારેય નાગરિકતાનો સવાલ ઊભો થાય તો અદાલતો કે સરકારી ઑથોરિટી માત્ર બાળકના બર્થ-સર્ટિફિકેટને ફાઇનલ પ્રૂફ તરીકે સ્વીકારતી નથી.

રાષ્ટ્રીયતા અને નાગરિકતા વચ્ચેનો તફાવત
મુદ્દો    રાષ્ટ્રીયતા    નાગરિકતા

મૂળભૂત અર્થ

વ્યક્તિ જે સ્થળ કે દેશમાં જન્મી હોય એને તેની રાષ્ટ્રીયતા કહેવામાં આવે છે.

જ્યારે કોઈ વ્યક્તિ બધી કાનૂની શરતો પૂરી કરે ત્યારે દેશની સરકાર તેને નાગરિકતા આપે છે.

વિચારધારા / સ્વરૂપ

રાષ્ટ્રીયતાને એક નૈતિક અથવા વંશીય/જાતીય ખ્યાલ તરીકે જોઈ શકાય છે.

નાગરિકતા સંપૂર્ણપણે કાનૂની શબ્દ છે, જે વ્યક્તિનો કાયદેસરનો દરજ્જો દર્શાવે છે.

મેળવવાની રીતો

મુખ્યત્વે બે રીતે મળી શકે છે : જન્મ દ્વારા અથવા વારસા દ્વારા.

મેળવવા માટે ઘણી રીતો છે : જન્મ, વારસો, લગ્ન વગેરે.

બદલાવ

કોઈ વ્યક્તિ પોતાની રાષ્ટ્રીયતા બદલી શકતી નથી.

વ્યક્તિ પોતાની નાગરિકતા બદલી શકે છે.

મર્યાદા

વ્યક્તિ સામાન્ય રીતે માત્ર એક દેશનો નૅશનલ હોઈ શકે છે.

એક વ્યક્તિ એકસાથે મલ્ટિપલ દેશોની નાગરિકતા મેળવી શકે છે.

રિવર્સલ

એને ઊલટાવી શકાતી નથી.

એને રિવર્સ કરી શકાય છે.

ઉદાહરણ

બ્રિટનમાં જન્મેલી વ્યક્તિ જેનું મૂળ ભારતીય છે તેની રાષ્ટ્રીયતા ભારતીય ગણાશે.

કોઈ ભારતીય વ્યક્તિ અમેરિકાની નાગરિકતા મેળવી શકે છે.

 

પાસપોર્ટ ઍક્ટ ૧૯૬૭ શું કહે છે?

આ કાયદો ભારતીય નાગરિકોને વિદેશપ્રવાસ માટે પાસપોર્ટ આપવાની અને કટોકટીના સમયે એને રદ કરવાની સરકારને સત્તા આપે છે. પાસપોર્ટ ઍક્ટની કલમ ૪ મુજબ મુખ્યત્વે ૩ પ્રકારના પાસપોર્ટ આપવામાં આવે છે. સામાન્ય નાગરિકોને વ્યાપાર કે પ્રવાસ માટે અપાતો સામાન્ય પાસપોર્ટ, સરકારી કામકાજ માટે વિદેશ જતા કર્મચારીઓ માટે ગ્રે કલરનો ઑફિશ્યલ પાસપોર્ટ અને રાજદ્વારીઓ, સંસદસભ્યો કે ઉચ્ચ અધિકારીઓને અપાતો મરૂન કલરનો ડિપ્લોમૅટિક પાસપોર્ટ. જોકે કોઈ પણ વ્યક્તિ જ્યારે પાસપોર્ટ માટે અરજી કરે છે ત્યારે પાસપોર્ટ ઑથોરિટી પોલીસ-વેરિફિકેશન સહિતની તમામ જરૂરી ચકાસણીઓ કરે છે. જો સત્તાધિકારી સંતુષ્ટ થાય તો જ પાસપોર્ટ આપવામાં આવે છે. હવે આ કાયદાની સૌથી મહત્ત્વની કલમ ૬(૨) વિશે પણ જાણી લો. આ કલમ અંતર્ગત સરકાર કેટલાક સંજોગોમાં પાસપોર્ટ આપવાનો ઇનકાર કરી શકે છે. સૌથી પહેલાં જો અરજદાર ભારતનો નાગરિક ન હોય; જો તેનાથી ભારતના સાર્વભૌમત્વ, અખંડિતતા કે સુરક્ષાને જોખમ હોય; જો વિદેશી દેશો સાથે ભારતના મૈત્રીપૂર્ણ સંબંધોને નુકસાન પહોંચતું હોય; જો અરજદાર વિરુદ્ધ ભારતમાં કોઈ ક્રિમિનલ કેસ કોર્ટમાં પેન્ડિંગ હોય; જો કોઈ અદાલતે અરજદારના વિદેશ જવા પર રોક લગાવી હોય; જો અરજદારને પાછલાં પાંચ વર્ષમાં કોઈ ગુના માટે બે વર્ષ કે તેથી વધુની સજા થઈ હોય...

બીજી વાત. પાસપોર્ટ ઇશ્યુ થઈ ગયા પછી પણ જો પાસપોર્ટધારકે ખોટી માહિતી આપીને કે દસ્તાવેજો છુપાવીને પાસપોર્ટ મેળવ્યો હોય કે પાસપોર્ટ ઑથોરિટીને લાગે કે પાસપોર્ટધારકનું વિદેશમાં રહેવું દેશના હિતમાં નથી કે કોર્ટ દ્વારા પાસપોર્ટ જપ્ત કરવાનો આદેશ આપવામાં આવે ત્યારે સરકાર એને કાનૂની રીતે રોકી કે રદ કરી શકે છે.

પાસપોર્ટ ઍક્ટમાં એક કલમમાં પાસપોર્ટ મેળવવાની પાત્રતામાં પહેલો જ પૉઇન્ટ લખે છે કે તે ભારતનો નાગરિક હોવો જોઈએ. એમાં બીજો વિરોધાભાસ જુઓ. પાસપોર્ટ ઍક્ટની કલમ ૨૦ હેઠળ ભારત સરકારને એવો ખાસ અધિકાર છે કે જો એ ઇચ્છે તો જે વ્યક્તિ ભારતની નાગરિક નથી તેને પણ ખાસ સંજોગોમાં ભારતીય પાસપોર્ટ અથવા ટ્રાવેલ-ડૉક્યુમેન્ટ ઇશ્યુ કરી શકે છે. કાયદામાં જ આ જોગવાઈ હોવાથી ટેક્નિકલ રીતે પાસપોર્ટને નાગરિકતાના એકમાત્ર પુરાવા તરીકે માન્ય રાખવામાં આવતો નથી.

સામાન્ય નાગરિકોએ ડરવાની જરૂર નથી
 તમારો પાસપોર્ટ બૅન્ક-ખાતું ખોલાવવા, લોન લેવા કે નવું સિમ કાર્ડ ખરીદવા માટે ID પ્રૂફ તરીકે આજે પણ ૧૦૦ ટકા વૅલિડ છે. 
 સરકારી કે ખાનગી કામોમાં પાસપોર્ટની માન્યતામાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી.
 સોશ્યલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચાઓ અતિશયોક્તિભરી છે. પાસપોર્ટ ભારતનું સૌથી પ્રતિષ્ઠિત ઓળખપત્ર છે અને રહેશે. સરકારે માત્ર એની ટેક્નિકલ અને કાનૂની વ્યાખ્યા સ્પષ્ટ કરી છે જેનાથી સામાન્ય માણસના રોજિંદા જીવન પર કોઈ નકારાત્મક અસર થવાની નથી. ખાસ તો આ સ્પષ્ટતા દેશમાં ગેરકાયદે ઘૂસી જતા લોકો સામે કાનૂની અને અદાલતી પ્રક્રિયાઓને સરળ કરવા માટે લાગુ કરવામાં આવી છે. 

national news india indian government Aadhaar exclusive