જહાંગીર ખાનને જેલમાંથી છોડાવવા પત્ની ટોળા સાથે પોલીસ-સ્ટેશન પહોંચી

18 June, 2026 08:57 AM IST  |  West Bengal | Gujarati Mid-day Correspondent

પોલીસનો લાઠીચાર્જ, પોલીસ-ઍક્શનથી બચવા લોકો નાળામાં કૂદી પડ્યા, ૮ લોકોની ધરપકડ: ફાલ્ટામાં હિંસા ફાટી નીકળી

ઊમટી પડેલું ટોળું અને તળાવમાં કૂદેલા લોકો.

જેલમાં બંધ તૃણમૂલ કૉન્ગ્રેસના નેતા જહાંગીર ખાનની પત્ની સરીનાએ તેને મુક્ત કરાવવા માટે સાઉથ 24 પરગણા જિલ્લામાં ફાલ્ટા પોલીસ-સ્ટેશન પર હુમલો કરવાનો પ્રયાસ કરતાં પશ્ચિમ બંગાળના ફાલ્ટામાં હિંસા ફાટી નીકળી હતી. પોલીસે વિરોધીઓને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો. આ ઘટનાના સંદર્ભમાં ૮ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસે જહાંગીર ખાનની પત્નીને એની પાછળ મુખ્ય સૂત્રધાર ગણાવી છે. 

સરીના લગભગ ૪૦૦ સમર્થકો સાથે પોલીસ-સ્ટેશન પર પહોંચી હતી. જહાંગીર ખાનના સમર્થકો એ વાતે નારાજ હતા કે તેને બર્મુડા શૉર્ટ્સમાં બધાની સામે ફેરવવામાં આવ્યો હતો અને કાન પકડીને ઉઠક-બેઠક કરવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો.

સરીનાની આગેવાનીમાં આ લોકો પોલીસ-સ્ટેશન પહોંચ્યા હતા અને ધમાલ મચાવી હતી. આના કારણે આશરે એક કલાક સુધી ટ્રાફિક જૅમ પણ થયો હતો. જોકે તેમને વિખેરવા માટે પોલીસ અને કેન્દ્રીય સુરક્ષા-દળોએ તેમના પર લાઠીચાર્જ કર્યો હતો. આના પગલે ઘણા લોકો નજીક આવેલા તળાવમાં કૂદી પડ્યા હતા.

પોલીસે શું કહ્યું?

આ સંદર્ભમાં વરિષ્ઠ પોલીસ-અધિકારી રાકેશ સિંહે કહ્યું હતું કે ‘પ્રદર્શનકારીઓએ પોલીસ-સ્ટેશનની બહારથી નીકળવાનો ઇનકાર કર્યો ત્યારે પોલીસે હળવો બળપ્રયોગ કર્યો હતો. જહાંગીર ખાનની ધરપકડ કરવામાં આવી છે. ફક્ત કોર્ટ જ તેની મુક્તિનો આદેશ આપી શકે છે. તેમણે અમારી વાત સાંભળવાનો ઇનકાર કર્યો તેથી અમારે પ્રદર્શનકારીઓને હટાવવા પડ્યા. કોઈને ઈજા થઈ નથી. આ સંદર્ભમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.’

national news trinamool congress west bengal political news indian politics