પતિના મૃત્યુ પછી ટિકિટ ન મળી એટલે પત્નીએ થાણેના વર્તકનગરની BJPની ઑફિસમાં તોડફોડ કરી

31 December, 2025 08:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પતિના મૃત્યુ પછી ટિકિટ ન મળી એટલે પત્નીએ થાણેના વર્તકનગરની BJPની આ‌ૅફિસમાં તોડફોડ કરી

સોમવાર રાતે BJPના વિભાગીય કાર્યાલયમાં સુવર્ણા કાંબળે.

થાણેમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવારોની પહેલી યાદી સોમવારે મોડી રાતે જાહેર થઈ હતી. આ યાદીમાં પતિના મૃત્યુ બાદ પોતાનું નામ ન હોવાનું જણાતાં સુવર્ણા કાંબળેએ પોતાના કાર્યકરો સાથે થાણેના વર્તકનગરમાં BJPના વિભાગીય કાર્યાલયમાં હોબાળો મચાવીને તોડફોડ કરી હતી. એ ઉપરાંત તેમણે વિધાનસભ્ય સંજય કેળકર અને નિરંજન ડાવખરે વિરુદ્ધ જોરજોરથી સૂત્રોચ્ચાર કર્યો હતો. આ ઘટના ગઈ કાલે થાણેના રાજકારણમાં ચર્ચાનો વિષય બની હતી. આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયામાં ભારે વાઇરલ થયો હતો.

થાણેના BJPના એક સિનિયર કાર્યકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સુવર્ણાનો પતિ વિલાસ કાંબળે બે વખત થાણેના પ્રભાગ-નંબર ૧૫માં નગરસેવક હતો. કોરોનાકાળ દરમ્યાન તેનું મૃત્યુ થતાં સુવર્ણાએ પતિની તમામ જવાબદારી સંભાળી હતી. એ ઉપરાંત પાર્ટી-કાર્યાલમાં પણ તે ઍક્ટિવ હતી. એ દરમ્યાન તેણે નગરસેવક તરીકે ચૂંટણી લડવાની ઇચ્છા રાખી હતી, પણ પાર્ટીએ તેને બદલે બીજી વ્યક્તિને ઉમેદવારી આપી એનો રોષ રાખીને તે વર્તકનગરના વિભાગીય કાર્યાલયમાં પોતાના ૧૦૦થી વધુ કાર્યકરો સાથે સોમવાર રાતે સાડાનવ વાગ્યે ગઈ હતી. તેણે પહેલાં તો કાર્યાલયમાં પ્રવેશવાનો પ્રયત્ન કર્યો હતો, પણ જ્યારે તેને અટકાવી ત્યારે તેણે કાર્યાલયના દરવાજાના કાચને જોરથી પછાડ્યો હતો અને બીજી તોડફોડ કરી હતી.’

mumbai news mumbai bharatiya janata party bmc election political news thane