30 March, 2026 12:40 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
૨૦૨૫ માટે પિરિયડિક લેબર ફોર્સ સર્વે (PLFS)ના વાર્ષિક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે આ વર્ષમાં પુરુષોની સરખામણીમાં મહિલાઓનો પગાર વધારે પ્રમાણમાં વધ્યો છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ૨૦૨૫માં ૨૦૨૪ની સરખામણીમાં પોતાનો વ્યવસાય ધરાવતી મહિલાઓ, પગારદાર મહિલાઓ અને કૅઝ્યુઅલ મજૂર એમ ત્રણેય શ્રેણીઓમાં મહિલાઓ માટે નજીવા વેતનમાં પુરુષો કરતાં વધુ વધારો થયો છે. સ્વરોજગાર શ્રેણીમાં પુરુષોની કમાણીમાં ૬ ટકા અને સ્ત્રીઓમાં ૮.૮ ટકાનો વધારો થયો છે. પગારદાર વર્ગ માટે પુરુષોના વેતનમાં ૫.૮ ટકા અને સ્ત્રીઓમાં ૭.૨ ટકાનો વધારો થયો છે.
પગારદાર નોકરીઓ, સ્વરોજગાર અને કૅઝ્યુઅલ મજૂરી માટે મહિલાઓની કમાણીમાં અનુક્રમે ૭.૨ ટકા, ૮.૮ ટકા અને ૫.૪ ટકાનો વધારો થયો હતો. દરમ્યાન, પુરુષોની કમાણીમાં પગારદાર નોકરીઓ અને સ્વરોજગાર માટે અનુક્રમે ૫.૮ ટકા અને ૮ ટકાનો વધારો થયો હતો, પરંતુ કૅઝ્યુઅલ મજૂરી માટે ૦.૨ ટકાનો ઘટાડો થયો હતો.
જોકે મહિલાઓ પુરુષો કરતાં ઘણી ઓછી કમાણી કરી રહી છે. પગારદાર નોકરીઓમાં પુરુષો જે કમાય છે એના ૭૬ ટકા મહિલાઓ કમાય છે. કૅઝ્યુઅલ લેબરમાં પુરુષો કરતાં મહિલાઓને ૬૯ ટકા રકમ મળે છે. પોતાનો વ્યવસાય ધરાવતી મહિલાઓને પુરુષોની સરખામણીમાં માત્ર ૩૬ ટકા રકમ મળે છે.
૨૦૨૫ માટે PLFS ડેટા મિનિસ્ટ્રી ઑફ સ્ટૅટિસ્ટિક્સ ઍન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન (MoSPI) દ્વારા એના અનઇન્કૉર્પોરેટેડ સેક્ટર એન્ટરપ્રાઇઝ (ASUSE)ના વાર્ષિક સર્વેક્ષણનાં પરિણામો જાહેર કર્યાના થોડા દિવસો પછી આવ્યો છે. એમાં દર્શાવવામાં આવ્યું છે કે ભારતના અનૌપચારિક ક્ષેત્રમાં પગાર ૨૦૨૫માં માત્ર ૩.૯ ટકા વધ્યો છે, જે ૨૦૨૩-’૨૪ (ઑક્ટોબર-સપ્ટેમ્બર)માં જોવા મળેલા ૧૩ ટકા વધારા કરતાં અડધાથી પણ ઓછો છે. આ સમયગાળા દરમ્યાન અનૌપચારિક ક્ષેત્રમાં ઉમેરાયેલાં એસ્ટૅબ્લિશમેન્ટોની સંખ્યામાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો, જેને કારણે ઘણા ઓછા કામદારોને નોકરી પર રાખવામાં આવ્યા હતા.