18 March, 2025 07:44 AM IST | tirupati | Gujarati Mid-day Correspondent
ATM જેવું એવું મશીન
તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમે તાજેતરમાં ATM જેવું એવું મશીન લગાવ્યું છે જેમાંથી ચલણી નોટો નહીં પણ સોના-ચાંદીનાં પેન્ડન્ટ નીકળશે, જેમાં ભગવાન બાલાજીની મૂર્તિ પણ અંકિત થયેલી હશે. આ પેન્ડન્ટનું વજન બે ગ્રામ, પાંચ ગ્રામ અને દસ ગ્રામ એમ ત્રણ માપમાં છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમના કાર્યકારી અધિકારી જે. શ્યામલા રાવની પહેલ પર આ મશીન બેસાડવામાં આવ્યું છે જેના માટે ખાસ સૉફ્ટવેર ડેવલપ થયું છે. એમાંથી તમે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે UPI દ્વારા સોના કે ચાંદીનું પેન્ડન્ટ મેળવી શકો છો.
યુનાઇટેડ આરબ એમિરેટ્સમાં સોના-ચાંદીના સિક્કા વેચતું વેન્ડિંગ મશીન જોવા મળે છે, પરંતુ આવું ચોક્કસ ભગવાનની છબિ અંકિત કરેલું પેન્ડન્ટ જે એક ઘરેણાની જેમ પહેરી શકાય એવું હોય છે એનું વેન્ડિંગ મશીન પહેલી વાર ભારતમાં મૂકવામાં આવ્યું છે. આ મશીનમાં જે-તે દિવસનો સોના-ચાંદીનો ભાવ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ દ્વારા બદલાતો રહે છે. હાલમાં ત્રણ જગ્યાએ પેન્ડન્ટ મશીન ગોઠવવામાં આવ્યાં છે. એક તિરુમાલા મંદિરમાં, બીજું ગોવિંદરાજ ટેમ્પલમાં અને ત્રીજું તિરુચનૂરના પદ્માવતી અમ્માવરી ટેમ્પલમાં છે.