ઉત્તર પ્રદેશના વિધાનસભાના શિયાળુ સત્રમાં યોગી આદિત્યનાથ અને અખિલેશ વચ્ચે વાક્‍યુદ્ધ થયું

23 December, 2025 10:01 AM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે ઉત્તર પ્રદેશની વિધાનસભાના શિયાળુ સત્રનો બીજો દિવસ હતો. બે દિવસથી કફ-સિરપના મુદ્દે વિપક્ષ હોબાળો કરી રહ્યો છે.

યોગી આદિત્યનાથ અને અખિલેશ યાદવ

ગઈ કાલે ઉત્તર પ્રદેશની વિધાનસભાના શિયાળુ સત્રનો બીજો દિવસ હતો. બે દિવસથી કફ-સિરપના મુદ્દે વિપક્ષ હોબાળો કરી રહ્યો છે. યોગીએ આ પહેલાં જ કહ્યું હતું કે કોડેઇન કફ-સિરપથી ઉત્તર પ્રદેશમાં કોઈનું મૃત્યુ થયું નહોતું. ૨૦૧૬માં આ સિરપના સૌથી મોટા હોલસેલરને સમાજવાદી પાર્ટીએ જ લાઇસન્સ આપ્યું હતું. એ પછી પણ વિરોધ પક્ષ દ્વારા ઉઠાવાયેલા સવાલ વિશે ગઈ કાલે યોગી આદિત્યનાથે સણસણતો જવાબ આપતાં કહ્યું હતું કે ‘સમાજવાદી પાર્ટીને જવાબ વાંચવા-લખવા સાથે કોઈ સંબંધ ન હોવાથી મનઘડંત સવાલ ઉઠાવાય છે. દેશમાં બે નમૂના છે, એક દિલ્હીમાં અને એક લખનઉમાં બેસે છે. જ્યારે દેશમાં કોઈ ચર્ચા થાય તો તેઓ દેશ છોડીને જતા રહે છે. મને લાગે છે કે આવું તમારા બઉઆ સાથે પણ થાય છે. તેઓ ફરી ઇંગ્લૅન્ડના સૈરસપાટા પર જતા રહેશે અને તમે અહીં ચિલ્લાતા રહેશો.’

યોગી આદિત્યનાથના આ જવાબની ૪૦  મિનિટ પછી અખિલેશ યાદવે યોગીની ટોપી તેમને જ પહેરાવતાં સોશ્યલ મીડિયા પર કરેલી પોસ્ટમાં લખ્યું હતું, ‘આત્મસ્વીકૃતિ... કોઈને આશા નહોતી કે દિલ્હી-લખનઉની લડાઈ અહીં સુધી પહોંચી જશે. સંવિધાનિક પદો પર બેઠેલા લોકો મર્યાદાની સીમા ન ઓળંગે. ભાજપાઈ પોતાની પાર્ટીની અંદરની ખેંચતાણને જાહેરમાં ન લાવે.’

સિરપ-માફિયા પર બુલડોઝર ક્યારે ફેરવશો? 

આ વાક્યુદ્ધ પછી સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે વિધાનસભામાં પૂછ્યું હતું કે સિરપ-માફિયાઓ પર બુલડોઝર ક્યારે ફેરવશો? ત્યારે યોગી આદિત્યનાથે કહ્યું હતું કે ‘હું તમારી પીડા સમજું છું, કેમ કે જ્યારે સરકારની કાર્યવાહી છેલ્લા તબક્કામાં પહોંચશે ત્યારે તમારામાંથી ઘણા લોકો ફાતિહા પઢવા જતા રહેશે. અમે તમને એ હાલતમાં પણ નહીં છોડીએ કે તમે ફાતિહા પઢી શકો. અમારી કાર્યવાહી એવી જ હશે.’

national news india uttar pradesh political news yogi adityanath akhilesh yadav