27 September, 2026 09:39 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
જહાજ પર થયેલો હુમલો
ઉત્તર પ્રદેશના દેવરિયાના બાવીસ વર્ષના સૂરજ યાદવ માટે બુધવારનો દિવસ ગોઝારો સાબિત થયો હતો. બપોરે એક વાગ્યે તેણે ભારે ઉત્સાહથી પરિવારને વિડિયો-કૉલ કર્યો હતો. તેણે પહેલી જ વાર પોતાનું મોટું જહાજ, સૂવાની જગ્યા અને જમવાનું બતાવ્યું હતું. આખો પરિવાર અને પાડોશીઓ ખુશીથી આ વિડિયો-કૉલ જોઈ રહ્યા હતા, પરંતુ અડધી જ કલાક બાદ ૧.૩૦ વાગ્યે ઓમાનના દરિયામાં તેમના જહાજ પર અચાનક મિસાઇલ હુમલો થયો અને સૂરજનું કમકમાટીભર્યું મોત થયું હતું.
જહાજ પર મિસાઇલ આવતી જોઈને અલર્ટ મળતાં જ અન્ય ક્રૂ-મેમ્બરો દરિયામાં કૂદી પડ્યા હતા, પરંતુ બ્લાસ્ટમાં જહાજનો મોટો ટુકડો ઊછળીને સૂરજના માથામાં વાગ્યો અને તે ત્યાં જ ઢળી પડ્યો હતો. સૂરજ તેના ગામનો પહેલો યુવાન હતો જે મર્ચન્ટ નેવીમાં ગયો હતો. તે ગત ૧૯ ઑગસ્ટે જ પહેલી નોકરી પર જહાજમાં જોડાયો હતો અને આ જહાજ સુરત આવી રહ્યું હતું. કેન્દ્રીય પ્રધાન સર્બાનંદ સોનોવાલે માહિતી આપી હતી કે જહાજ પરના અન્ય ૧૯ ભારતીયોનો આબાદ બચાવ થયો છે અને તેઓ સુરક્ષિત છે.