ઝુબીન ગર્ગનું મૃત્યુ ડૂબી જવાથી થયું : સિંગાપોરના કૉરોનરે કોઈ રમત રમાઈ હોવાની વાતને નકારી

26 March, 2026 11:11 AM IST  |  Singapore | Gujarati Mid-day Correspondent

કૉરોનરને જાણવા મળ્યું હતું કે ઝુબીન ગર્ગ યૉટ ટ્રિપ માટે સંમત થયા હતા અને એવા કોઈ પુરાવા નથી કે તેમના પર એમાં બળજબરી કરવામાં આવી હતી

ઝુબીન ગર્ગ

સિંગાપોરના એક કૉરોનરે સિંગાપોર પોલીસ કોસ્ટ ગાર્ડ (PCG)ના એ તારણને સમર્થન આપ્યું હતું કે ભારતીય સિંગર ઝુબીન ગર્ગના મૃત્યુમાં કોઈ ગેરરીતિ આચરવામાં આવી નહોતી અને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં એક ટાપુ નજીક તેમનું મૃત્યુ આકસ્મિક ડૂબી જવાથી થયું હતું.

PCGના તારણ વિશે ઝુબીન ગર્ગની પત્ની દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાને સીધી રીતે સંબોધતાં સ્ટેટ કૉરોનર ઍડમ નાખોડાએ ​​કહ્યું હતું કે ‘PCGએ આ કેસમાં વ્યાપક અને સંપૂર્ણ તપાસ હાથ ધરી હતી. ઝુબીન ગર્ગનું મૃત્યુ આકસ્મિક રીતે ડૂબવાથી થયું હતું. કોઈએ તેને પાણીમાં ધક્કો માર્યો નહોતો કે કોઈએ દબાણ આપ્યું નહોતું. તેને બચાવનારા સ્વિમરોએ જાણી જોઈને તેનો ચહેરો પાણીની અંદર રાખ્યો હતો એવા કોઈ પુરાવા પણ નથી. બાવન વર્ષનો ગર્ગ નશામાં હતો અને એનાથી તેને નિર્ણય લેવામાં મુશ્કેલી પડી શકે છે.’

કૉરોનરને જાણવા મળ્યું હતું કે ઝુબીન ગર્ગ યૉટ ટ્રિપ માટે સંમત થયા હતા અને એવા કોઈ પુરાવા નથી કે તેમના પર એમાં બળજબરી કરવામાં આવી હતી.

નૉર્થ ઈસ્ટ ઇન્ડિયા ફેસ્ટિવલમાં પર્ફોર્મ કરવાના એક દિવસ પહેલાં ૨૦૨૫ની ૧૯ સપ્ટેમ્બરે ઝુબીન ગર્ગ લાઝારસ ટાપુના પાણીમાં ડૂબી ગયા હતા. તેઓ સિંગાપોર અને ભારત વચ્ચેના રાજદ્વારી સંબંધોનાં ૬૦ વર્ષ નિમિત્તે આયોજિત ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે સિંગાપોરમાં હતા. તેમના મૃત્યુની જાણ થતાં ફેસ્ટિવલ રદ કરવામાં આવ્યો હતો.

national news india singapore murder case