આસામના ચીફ મિનિસ્ટર કરતાં સાવ જ​ વિપરીત તારણ સિંગાપોર પોલીસનું

15 January, 2026 01:32 PM IST  |  Assam | Gujarati Mid-day Correspondent

ઝુબીન ગર્ગની હત્યા નથી થઈ, તે પુષ્કળ નશામાં હતો અને લાઇફ-જૅકેટ પહેરવાની તેણે જ ના પાડી દીધી હતી

આસામના સિંગર ઝુબીન ગર્ગ

આસામના સિંગર ઝુબીન ગર્ગના મૃત્યુ બાબતે સિંગાપોરની પોલીસે ગઈ કાલે કોર્ટમાં કહ્યું હતું કે ઝુબીન ખૂબ જ નશામાં હતો અને તેણે લાઇફ-જૅકેટ પહેરવાની ના પાડી દીધી હતી એટલે તે દ્વીપ પાસે ડૂબી ગયો હતો. ચૅનલ ન્યુઝ એશિયાના રિપોર્ટ અનુસાર સિંગાપોરની અદાલતમાં સુનાવણી દરમ્યાન મુખ્ય તપાસ-અધિકારીએ કહ્યું હતું કે ‘ઝુબીન ગર્ગે પહેલાં લાઇફ-જૅકેટ પહેર્યું હતું, પણ પછી તેણે એ ઉતારી દીધું હતું અને પછી જ્યારે બીજી વાર પાણીમાં ઊતર્યો ત્યારે તેણે લાઇફ-જૅકેટ પહેરવાની ના પાડી દીધી હતી. તે બહુ જ નશામાં હતો. અનેક સાક્ષીઓએ તેને લાઇફ-જૅકેટ વિના તરવાની કોશિશ કરતો જોયો હતો. એ જ વખતે તે બેહોશ થઈ ગયો અને તેનો ચહેરો પણ પાણીમાં ડૂબી ગયો. ગાયકને તરત જ બોટમાં પાછો લાવવામાં આવ્યો અને કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન (CPR) આપવામાં આવ્યું હતું, પણ થોડી વાર પછી તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ઝુબીનને હાઈ બ્લડ-પ્રેશર અને એપિલેપ્સીની તકલીફ હતી.’

સિંગાપોર પોલીસે ઝુબીન ગર્ગના મૃત્યુ બાબતે કોઈ પણ પ્રકારનું ષડયંત્ર થયું હોવાની સ્પષટ ના પાડી હતી. 

આસામ પોલીસની તપાસમાં ષડ‍્યંત્ર

આસામ પોલીસ અને CIDની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા ૧૨ ડિસેમ્બરે ઝુબીન ગર્ગની હત્યા માટે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાના નેતૃત્વવાળી આસામ સરકારે ઝુબીનની હત્યામાં ષડ‍્યંત્રનો આરોપ લગાવ્યો છે અને પોલીસે ૭ આરોપીઓને પકડી લીધા છે.

national news india singapore assam murder case