૧૦૨ વર્ષના જૅપનીઝ દાદાએ સર કર્યો ૧૨,૩૮૮ ફુટ ઊંચો માઉન્ટ ફુજી

27 August, 2025 02:54 PM IST  |  Japan | Gujarati Mid-day Correspondent

૨૦૨૨માં તેમના ૯૯મા જન્મદિવસે તેમણે ૧૨૭૨ મીટર ઊંચા પર્વતનું ચડાણ કર્યું હતું.

કોકિચી અકુજાવા

જીવનની સેન્ચુરી બજાવ્યા પછી વ્યક્તિ હાલતી-ચાલતી હોય અને પોતાનું કામ જાતે કરતી હોય તોય ઘણું એવું મનાય છે, પણ જપાનના ૧૦૨ વર્ષના કોકિચી અકુજાવાએ માઉન્ટ ફુજીનું શિખર સર કરીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. જ્યારે તેમણે આ કારનામું કર્યું ત્યારે કોકિચીદાદા ૧૦૨ વર્ષ ૫૧ દિવસની વયના હતા. આ પરાક્રમ કરતાં પહેલાં તેમને હાર્ટની બીમારી પણ હતી. એમ છતાં તેઓ દર વર્ષે કોઈક નવો પર્વત ચડવાનું સાહસ કરતા રહે છે. ૨૦૨૨માં તેમના ૯૯મા જન્મદિવસે તેમણે ૧૨૭૨ મીટર ઊંચા પર્વતનું ચડાણ કર્યું હતું. આમ તો ૯૬ વર્ષની વયે પણ તેઓ માઉન્ટ ફુજી સર કરી ચૂક્યા છે, પણ જીવનનું શતક પાર કર્યા પછી તેમણે ‌આ જ કારનામું ફરીથી કરવાનું વિચાર્યું હતું. ત્રીજી ઑગસ્ટે સવારે તેમણે યોશિદા માર્ગથી માઉન્ટ ફુજી ચડવાનું શરૂ કર્યું હતું. શિખર સર કરવાના ૪ રસ્તાઓમાંથી આ સૌથી સરળ માર્ગ ગણાય છે, પરંતુ એમાં પણ લગભગ ૬ કલાક સુધી લગાતાર ચડાણ કરવું પડે છે. કોકિચીદાદાએ પોતાની વયને ધ્યાનમાં રાખીને એક જ દિવસમાં આ સાહસ કરવાને બદલે આ કામ ૩ દિવસમાં વિભાજિત કરી દીધું હતું. તેમની ટીમ સાથે તેઓ ચડાણ કરવા નીકળ્યા અને ઠંડી અને તેજ હવા જ્યારે સહન થાય એમ ન હોય ત્યારે ટેન્ટ બનાવીને ત્યાં જ ધામા નાખી દીધા હતા. ત્રીજા દિવસે તો તેમણે લગભગ હાર માની લીધી હતી, પણ તેમની ટીમના પર્વતારોહકોએ તેમને ખૂબ પ્રોત્સાહિત કર્યા હતા. ૩ દિવસમાં થોડું-થોડું કરીને કોકિચીભાઈ આખરે શિખરે પહોંચી ગયા હતા. કોકિચી સૌથી મોટી વયે માઉન્ટ ફુજી સર કરનારા રેકૉર્ડહોલ્ડર બની ગયા છે.

આ સાહસ તેમના માટે એટલું કપરું હતું કે એ કરી આવ્યા પછી જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ફરી માઉન્ટ ફુજી ચડશો? તો ક્ષણનોય વિલંબ કર્યા‌ વિના દાદાજી ના પાડી દે છે. જોકે થોડીક વારે વિચાર કરીને કહે છે, આવતા વર્ષે આ સવાલ પૂછશો તો કદાચ જુદો જવાબ હોઈ શકે છે.

japan international news offbeat news world news guinness book of world records