✕

હજી બે વર્ષ પણ પૂરાં નથી થયાં અને ૪ રેકૉર્ડ બનાવી દીધા

08 October, 2026 12:55 PM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

આ ઉપરાંત નાની ઉંમરે સ્વિમિંગ અને સ્લાઇડિંગનો રેકૉર્ડ પણ તેના નામે છે. હાલમાં અકીરા ૨૦ મહિનાની છે અને સ્વિમિંગ, કિક-સ્કૂટર, સ્લાઇડિંગમાં તેની ઉંમરની કૅટેગરીમાં કુલ ૪ રેકૉર્ડ્‍સ નોંધાવી ચૂકી છે.

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

બૅન્ગલોરમાં રહેતી અકીરા બંસલ નામની ટબૂકડી કન્યા રમતગમતમાં એટલી ઉત્સાહી છે કે તેને જે કોઈ પણ રમત શીખવો એ ઝટપટ શીખી લે છે. તેના પપ્પા ફુટબૉલર છે અને મમ્મી ક્રિકેટ રમવાની શોખીન. પેરન્ટ્સની સ્પોર્ટ્‍સની રુચિ દીકરી અકીરામાં પણ બખૂબી ઊતરી આવી છે. ૧૪ મહિનાની ઉંમરે તેના પેરન્ટ્સે તેને કિક-સ્કૂટર ચલાવવા આપ્યું. આ પહેલાં તે મોટાં કઝિન ભાઈ-બહેનોને પગની ઠેસ મારીને સ્કૂટર ચલાવતાં જોતી આવી હતી. જ્યારે તેને સ્કૂટર પર ઊભી રાખવામાં આવી તો તેણે તરત જ જે જોયેલું એ મુજબ કરવાનું શરૂ કરી દીધું અને આપમેળે તે એક-બે પ્રયોગો પછી જાતે કિક-સ્કૂટર ચલાવતી થઈ ગઈ. સૌથી નાની ઉંમરે કિક-સ્કૂટર ચલાવવાનો રેકૉર્ડ તેના નામે છે. આ માત્ર રેકૉર્ડ બનાવવા પૂરતું નથી, અકીરા રોજ બેથી ત્રણ કલાક સ્કૂટર ચલાવવાની પ્રૅક્ટિસ કરે છે. પેરન્ટ્સ તેને તાલીમ આપે છે એવું નથી, પણ તેને જ એવું કરવું ગમે છે. અકીરાની સાઇઝની હેલ્મેટ તેમ જ ઘૂંટણ અને કોણીના પ્રોટેક્ટર્સ ખાસ બનાવડાવ્યાં છે જેથી પ્રૅક્ટિસ દરમ્યાન દીકરી પડે તો તેને મોટી ઈજા ન થાય. આ ઉપરાંત નાની ઉંમરે સ્વિમિંગ અને સ્લાઇડિંગનો રેકૉર્ડ પણ તેના નામે છે. હાલમાં અકીરા ૨૦ મહિનાની છે અને સ્વિમિંગ, કિક-સ્કૂટર, સ્લાઇડિંગમાં તેની ઉંમરની કૅટેગરીમાં કુલ ૪ રેકૉર્ડ્‍સ નોંધાવી ચૂકી છે.

offbeat news bengaluru india national news