28 June, 2025 03:37 PM IST | New york | Gujarati Mid-day Correspondent
એક ક્લાસમાં ૧૫ જુડવા
ન્યુ યૉર્ક શહેરની એક હાઈ સ્કૂલમાં ગ્રૅજ્યુએશન સમારોહમાં આ વર્ષે ખાસ વાત જોવા મળશે. એમાં ૫૦૦ વિદ્યાર્થીઓ પાસઆઉટ થયા છે એમાંથી ૩૦ જુડવા સ્ટુડન્ટ્સ છે. મતલબ કે સ્કૂલનો દર ૧૭મો વિદ્યાર્થી ટ્વિન છે. ન્યુ યૉર્કના લૉન્ગ આઇલૅન્ડમાં આવેલી પ્લેનવ્યુ જૉન એફ. કેનેડી હાઈ સ્કૂલમાં આ વર્ષે ગ્રૅજ્યુએશન સેરેમનીમાં ૧૫ જોડી ટ્વિન્સ છે. મોટા ભાગના સ્ટુડન્ટ્સ કિંડરગાર્ટનથી એકમેકને જાણે છે. તેમના પેરન્ટ્સ પણ ટ્વિન ક્લબના સદસ્ય છે અને ઘણા પેરન્ટ્સ તો જોડિયાં બાળકોની સાથે જ ફરવા જવાનું પ્લાનિંગ કરતા આવ્યા છે. અલબત્ત, આ એકેય આઇડેન્ટિકલ ટ્વિન નથી એટલે એકબીજાની મિરર ઇમેજ જેવા દેખાતા હોય એવું નથી. એમ છતાં ટ્વિન હોવાને કારણે તેમની વચ્ચે ખૂબ સામ્ય છે. એક જ સ્કૂલમાં આટલાંબધાં જોડિયાં બાળકો કેમ આવી રહ્યાં છે એની તપાસ કરી તો કંઈ જ ઠોસ નથી મળ્યું. કોઈક માને છે કે અહીંના પાણીને કારણે અહીં જોડિયાં જન્મે છે. જોકે એ વાતને કોઈ સાયન્ટિફિક સમર્થન નથી મળ્યું.
આ સ્કૂલમાં ૨૦૧૪ અને ૨૦૧૫માં પાસઆઉટ થનારા ક્લાસમાં પણ ૧૦-૧૦ જોડિયાં બાળકો હતાં. આવતા વર્ષે જે પાસઆઉટ થશે એમાં પણ ૯ જોડિયાં બાળકો છે.