પેરન્ટ્સનું ૨૩ કરોડ રૂપિયાનું દેવું દીકરાએ ૭ વર્ષ કૅલિગ્રાફી શીખવીને ભરપાઈ કર્યું

08 April, 2025 06:56 AM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

ચીનમાં એક દીકરાએ પિતાનું દેવું ભરપાઈ કર્યું હતું. એ માટે તેને સાત વર્ષની કપરી મહેનત કરવી પડી હતી. વાત એમ છે કે વુહાન શહેરમાં રહેતા ચેન ઝાઓ નામના યુવકના પેરન્ટ્સનો ફૅમિલી બિઝનેસ અચાનક ઠપ થઈ જતાં પરિવારના માથે ૨૩ કરોડ રૂપિયાનું દેવું ચડી ગયું.

ચેન

ચીનમાં એક દીકરાએ પિતાનું દેવું ભરપાઈ કર્યું હતું. એ માટે તેને સાત વર્ષની કપરી મહેનત કરવી પડી હતી. વાત એમ છે કે વુહાન શહેરમાં રહેતા ચેન ઝાઓ નામના યુવકના પેરન્ટ્સનો ફૅમિલી બિઝનેસ અચાનક ઠપ થઈ જતાં પરિવારના માથે ૨૩ કરોડ રૂપિયાનું દેવું ચડી ગયું. સામાન્ય રીતે બિઝનેસમૅનનો દીકરો બિઝનેસમૅન જ બને અને ધારો કે પહેલી પેઢીએ દેવું કર્યું હોય તો નવી જનરેશન નવા આઇડિયાઝથી એમાંથી ઊભરી પણ આવે. જોકે ચેનભાઈને બિઝનેસમાં જરાય રસ નહોતો. તેને આર્ટ અને કૅલિગ્રાફીમાં ભરપૂર રસ હતો. જ્યારે પરિવારના માથે ૨૩ કરોડના દેવાનો બોજ આવી પહોંચ્યો ત્યારે પરિવારની અપેક્ષા હતી કે દીકરો પોતાનું પૅશન છોડીને હવે સિરિયસલી કમાણી કરવા લાગે. ૨૦૧૬માં ચેને ગ્રૅજ્યુએશન પૂરું કર્યું એ પછી દીકરો બિઝનેસ કરે એવું દબાણ અનેક વાર પેરન્ટ્સ તરફથી થયું કેમ કે તેમને લાગતું હતું કે આર્ટના વેવલાવેડા કદી પૈસા કમાવી ન આપે.

જોકે ચેનના પ્લાન કંઈક જુદા જ હતા. તેણે કેટલાંક સાવ જ ખરાબ અક્ષર ધરાવતાં બાળકોને કૅલિગ્રાફી શીખવવાનું શરૂ કર્યું. છ મહિનામાં તેની મહેનત રંગ લાવી. આ બાળકોનાં ઉદાહરણ જોઈને અનેક લોકોએ કૅલિગ્રાફી માટે ચેનનો સંપર્ક કરવાનું શરૂ કર્યું. એક વર્ષમાં તો તેના કામે એવો વેગ પકડ્યો કે ફ્રાન્સ અને યુરોપિયન દેશોમાંથી લોકો તેને કૅલિગ્રાફી માટેની કન્સલ્ટન્સી માટે બોલાવવા લાગ્યા. પરિણામ એ આવ્યું કે સાત વર્ષની મહેનતના અંતે ચેને પરિવાર પરનું ૨૩ કરોડ રૂપિયાનું દેવું ચૂકતે કરી દીધું છે. પેરન્ટ્સને પણ સમજાઈ ગયું કે પૅશન હોય તો કંઈ પણ થઈ શકે છે. 

china art exhibition beijing offbeat videos offbeat news