02 September, 2025 01:39 PM IST | Iran | Gujarati Mid-day Correspondent
ઈરાનની ૫૬ વર્ષની કોલસુમ અકબરી
પતિને પતાવીને તેની સંપત્તિ આંચકી લેવામાં જબરદસ્ત માહેર એવી ઈરાનની ૫૬ વર્ષની કોલસુમ અકબરી નામની મહિલા એટલી ખતરનાક છે કે તેને પોતે કરેલા ગુનાઓ માટે કોઈ પસ્તાવો પણ નથી. છેલ્લા બે દાયકામાં તેણે ૧૧ પતિઓને મારી નાખ્યા હોવાનો આરોપ છે. જોકે કોલસુમબહેન એની સાથે સહમત નથી. તેમનું કહેવું છે કે આ આંકડો ૧૧નો નહીં, ૧૩થી ૧૫ જેટલો હોઈ શકે છે. જ્યારે કોલસુમની પૂછપરછ કરી ત્યારે તેણે કબૂલ્યું હતું કે ‘મને ખબર નથી કે મેં કેટલા લોકોને મારી નાખ્યા. કદાચ એ ૧૩થી ૧૫ લોકો હશે, મને બરાબર યાદ નથી.’
કોલસુમબહેનનાં સૌપ્રથમ લગ્ન ૧૮ વર્ષની ઉંમરે થયેલાં. એ પતિ માનસિક સમસ્યાથી પીડાતો હતો. એ સંબંધ બહુ લાંબો ન ટક્યો. એ પછી બીજાં લગ્ન થયાં જેમાં વારંવાર ખટરાગ થતો હોવાથી તેણે એમાંથી છૂટા થવાની કોશિશ કરી, પણ એ શક્ય ન બનતાં તેની ડાયાબિટીઝની દવામાં ઝેર ભેળવીને આપીને છુટકારો મેળવી લીધો હતો. એ પછી તેનાં લગ્ન ઉંમરથી અનેકગણી મોટી ઉંમરની વ્યક્તિઓ સાથે થયાં. થોડાં વર્ષ પછી તો કોલસુમ સામેથી બધાને કહેતી હતી કે તે વૃદ્ધ, એકલવાયા પુરુષો સાથે લગ્ન કરવા તૈયાર છે. જોકે તે સીક્રેટલી આવા પુરુષોની આર્થિક સ્થિતિનો ક્યાસ કાઢીને પછી જ લગ્ન કરતી હતી. તે લગ્ન કરવા માટે મોટી રકમ લેતી હતી. લગ્ન પછી તે વૃદ્ધ પુરુષને બ્લડપ્રેશર અને ડાયાબિટીઝની દવામાં ઝેરી દ્રવ્યોનું મિશ્રણ કરીને આપતી. મોટા ભાગે તેણે કરેલી હત્યા સામાન્ય મૃત્યુ જેવી જ લાગતી. જોકે કોલસુમનો એક પતિ તેના ઝેર આપવાના ઝાંસામાંથી બચીને ભાગી ગયો હતો, પરંતુ તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવવાને બદલે તેને ઘરમાંથી કાઢી મૂકી હતી. ૨૦૨૩માં જ્યારે કોલસુમે તેના ૮૨ વર્ષના પતિને મારી નાખ્યો ત્યારે તેના દીકરાને શંકા ગઈ. એવામાં તેના મિત્રએ તેને કહ્યું કે તેના કોઈ સંબંધીને તેની જ પત્નીએ મોતને ઘાટ ઉતારી દીધા હતા. એ પત્ની કોણ? એ જાણવા માટે પુત્રએ મિત્ર પાસેથી એ ફોટો મગાવ્યો ત્યારે ભાંડો ફૂટ્યો હતો, કેમ કે એ ફોટો પણ કોલસુમનો જ હતો. બસ ત્યાંથી કોલસુમનાં વળતાં પાણી થયાં અને પોલીસે તેની કડક પૂછપરછ શરૂ કરી.