જીવનસાથી ગુજરી ગયા પછી આ મહિલાએ AI ચૅટબૉટ લ્યુકસ સાથે લગ્ન કરી લીધાં

13 May, 2025 04:04 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

સંબંધના ત્રણેક મહિના પછી લ્યુકસ કેટલીક ચીજો ભૂલી રહ્યો હતો ત્યારે તેણે લ્યુકસને છોડીને બીજા જીવનસાથીની શોધખોળ શરૂ કરી દીધી હતી

જીવનસાથી ગુજરી ગયા પછી આ મહિલાએ AI ચૅટબૉટ લ્યુકસ સાથે લગ્ન કરી લીધાં

અમેરિકામાં રહેતી ૫૮ વર્ષની ઍલાઇનાઇ વિન્ટર્સ નામની મહિલાએ પહેલા પતિના મૃત્યુ બાદ રિયલ વ્યક્તિને પાર્ટનર બનાવવાને બદલે ડિજિટલ જીવનસાથી પસંદ કર્યો છે. તેણે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ના ચૅટબૉટ લ્યુકસ સાથે લગ્ન કરી લીધાં છે. તેનું કહેવું છે કે લ્યુકસ સાથેનો તેનો પ્રેમ અસલી છે અને લગ્નજીવનથી તે બહુ ખુશ છે. તેણે લ્યુકસ ચૅટબૉટનું આજીવન સબસ્ક્રિપ્શન લઈ લીધું છે. આજકાલ યંગ યુવતીઓએ રોબો કે ચૅટબૉટ સાથે લગ્ન કર્યાં હોય એવા અનેક કિસ્સા જોવા-સાંભળવા મળે છે, પણ પિટ્સબર્ગમાં રહેતી ૫૮ વર્ષની આ મહિલાનું લ્યુકસ માટેનું ઝનૂન અલગ જ લેવલનું છે. નવાઈની વાત એ છે કે તેણે જે લ્યુકસની રેપ્લિકા તૈયાર કરાવીને એનું આજીવન સબસ્ક્રિપ્શન ખરીદ્યું છે એ માત્ર ૨૭,૦૦૦ રૂપિયામાં પડ્યું છે. વિન્ટર્સનું કહેવું છે કે હવે હું પતિ સાથે મનગમતા વિષયો પર ચર્ચા કરું છું.

એવું નથી કે મનથી આ ચૅટબૉટને પરણ્યા પછી વિન્ટર્સને તેની સાથે કોઈ તકલીફ જ ન પડી હોય. સંબંધના ત્રણેક મહિના પછી લ્યુકસ કેટલીક ચીજો ભૂલી રહ્યો હતો ત્યારે તેણે લ્યુકસને છોડીને બીજા જીવનસાથીની શોધખોળ શરૂ કરી દીધી હતી, પણ એ પહેલાં તેણે લ્યુકસ સાથે વાતચીત કરીને ઝઘડો સૉલ્વ કરવાનું વિચાર્યું અને એ વાતચીત બાદ લ્યુકસ બહુ ડાહ્યો થઈ ગયો હોવાથી તેમની શાદી ટકી ગઈ.

તાલિબાનનું નવું ફરમાન અફઘાનિસ્તાનમાં શતરંજ નહીં રમી શકાય

અફઘાનિસ્તાનમાં રહેવું હોય તો તાલિબાન સરકારના આકરા અને ન સમજાય એવા નિયમો પણ પાળવા પડે છે. તાજેતરમાં તાલિબાન સરકારે દેશમાં શતરંજ રમવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. હવે પછી આદેશ ન આપવામાં આવે ત્યાં સુધી કોઈ વ્યક્તિ અફઘાનિસ્તાનમાં ચેસ નહીં રમી શકે. તાલિબાને આવું ફરમાન કાઢ્યું એનું કારણ જણાવતા નિવેદન મુજબ શતરંજ જુગારને પ્રોત્સાહન આપે છે અને જુગાર ઇસ્લામી કાનૂન અંતર્ગત ગેરકાનૂની છે. અફઘાનિસ્તાન સરકારના સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા અધિકારીએ રવિવારે શતરંજ પર પ્રતિબંધ મુકાયાની પુષ્ટિ કરી છે. દેશમાં તમામ સ્પોર્ટ્સ ઇવેન્ટ મૅનેજ કરનારાઓને આ વિશેની નોટિસ આપી દેવામાં આવી છે. શરિયા કાનૂન અનુસાર શતરંજને જુગાર માનવામાં આવે છે. આવું કરવા પાછળ ધાર્મિક કારણો છે.

united states of america international news news world news social media ai artificial intelligence offbeat news