૬૯ વર્ષે ડૉક્ટર બનવા માટે NEET આપનારા કાકાએ કોર્ટમાં સિનિયર સિટિઝન્સ માટે ૧ ટકા રિઝર્વેશનની કરી ડિમાન્ડ

19 July, 2026 12:02 PM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

મેડિકલમાં ઍડ્‌મિશન લેવા માગતા ૬૯ વર્ષના અશોક બહાર નામના કાકાને ડૉક્ટર બનવું જ છે અને એ માટે તેમણે કોર્ટમાં કે મેડિકલમાં યોગ્ય સિનિયર સિટિઝન્સ માટે ૧ ટકા રિઝર્વેશનની અપીલ કરી છે

૬૯ વર્ષે NEET આપનારા કાકાએ કોર્ટમાં ૧ ટકા રિઝર્વેશનની કરી ડિમાન્ડ

મેડિકલમાં ઍડ્‌મિશન લેવા માગતા ૬૯ વર્ષના અશોક બહાર નામના કાકાએ આ વર્ષે નૅશનલ એલિજિબિલટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-અન્ડરગ્રૅજ્યુએટ (NEET-UG) આપી હતી. સૌથી મોટી ઉંમરે એક્ઝામ આપીને સમાચારોમાં ચમકી ગયેલા અશોક બહારે હવે લખનઉ હાઈ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. તેમને ડૉક્ટર બનવું જ છે અને એ માટે તેમણે કોર્ટમાં અપીલ કરી છે સિનિયર સિટિઝન્સ માટે રિઝર્વેશનની. તેમનું કહેવું છે કે હું માત્ર મારા માટે નહીં પરંતુ એ તમામ લોકો માટે અવાજ ઉઠાવી રહ્યો છું જેઓ ભણીને ડૉક્ટર બનવા માગે છે અને પોતાનાં સપનાંને સાકાર કરવા માટે મોટી વયને મર્યાદા નથી માનતા. અપીલમાં તેમણે ડિમાન્ડ કરી છે કે ‘મેડિકલમાં યોગ્ય સિનિયર સિટિઝન્સ માટે ૧ ટકા રિઝર્વેશન હોવું જોઈએ. જો મેડિકલ એજ્યુકેશનમાં દિવ્યાંગો, સ્વતંત્રતાસેનાનીઓ, ભૂતપૂર્વ સૈનિકો અને સ્પોર્ટ્સ પર્સનને વિશેષ ક્વોટાનો ફાયદો મળે છે તો સિનિયર સિટિઝન્સને કેમ એમાંથી બાકાત રાખવામાં આવે છે? સરકારે વરિષ્ઠ નાગરિકો માટે રિઝર્વેશન કે સ્પેશ્યલ ક્વોટા આપતી પૉલિસી બનાવવી જોઈએ. સુપ્રીમ કોર્ટે થોડાં વર્ષો પહેલાં NEET-UGની એક્ઝામ આપવા માટે ઉંમરની મર્યાદા હટાવી હતી. જો દેશની સર્વોચ્ચ અદાલત માનતી હોય કે કોઈ પણ ઉંમરની વ્યક્તિને મેડિકલમાં બેઠક મેળવવાનો અધિકાર છે તો તેમને રિઝર્વેશન પણ આપવું જોઈએ.’
અશોક બહારના પરિવારમાં ૨૦ ડૉક્ટરો છે અને એમાંથી કેટલાક તો વિદેશમાં પ્રૅક્ટિસ કરી રહ્યા છે. તેમની મમ્મી ઇચ્છતી હતી કે અશોક પણ ડૉક્ટર બને. જોકે મમ્મીના મૃત્યુ પછી એ સપનું ભુલાઈ ગયેલું. હવે તેમની ડૉક્ટર પત્ની મંજુએ તેમને મેડિકલનો અભ્યાસ કરીને માનું સપનું પૂરું કરવા માટે પ્રોત્સાહન આપ્યું છે. 
લખનઉ હાઈ કોર્ટમાં આ અપીલ પર ૨૧ જુલાઈએ સુનવણી થશે. 

news offbeat news indian medical association Education neet exam lucknow india