08 August, 2026 02:24 PM IST | London | Gujarati Mid-day Correspondent
આ દાદી જબરું જિગર ધરાવે છે
૨૦૦૦ની સાલમાં અક્ષય કુમારની ‘ખિલાડી ૪૨૦’ નામની ફિલ્મ આવેલી. એમાં અક્ષય કુમારે પ્લેનની વિન્ગ પર ઊભા રહીને હવામાં સફર કરવાનો સ્ટન્ટ કર્યો હતો. આવું જ કંઈક બ્રિટનમાં રહેતાં બેટ્ટી બ્રોમેજ નામનાં ૯૭ વર્ષનાં દાદીને કરવાનું બહુ ગમે છે. ઊડતા પ્લેનની પાંખ પર ઊભા રહેવાને વિન્ગ-વૉકિંગ કહેવાય છે. આ દાદી જબરું જિગર ધરાવે છે. ઘરમાં બેસીને બોર થવા કરતાં દાદીને આવાં કરતબો કરવામાં બહુ મજા આવે છે. બેટ્ટીદાદીએ પહેલી વાર ૮૭ વર્ષની ઉંમરે વિન્ગ-વૉક કર્યું હતું. એ પછી તો તેમને દર થોડાં વર્ષે વિન્ગ-વૉક કરવાની જાણે આદત પડી ગઈ. છેલ્લાં ૧૦ વર્ષમાં તેઓ ૬ વાર વિન્ગ વૉક કરી ચૂક્યાં છે. છેલ્લે તેમણે ૯૩ વર્ષની વયે સૌથી વયસ્ક વિન્ગ-વૉકરનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ પોતાના નામે કરેલો. તાજેતરમાં ૯૭ વર્ષની ઉંમરે આ જ સ્ટન્ટ ફરીને તેમણે પોતાનો જ રેકૉર્ડ તોડ્યો છે. જ્યારે દાદીને આ વખતે પૂછવામાં આવ્યું કે કેમ આ ઉંમરે જોખમો લો છો તો કહે છે, ‘મારી આંખો નબળી થઈ ગઈ છે એટલે હું ડ્રાઇવ નથી કરી શકતી. હું જીવી રહી છું એ ફીલ કરવા માટે કંઈક તો થ્રિલિંગ કરવું પડેને? જો હું આવું બધું ન કરું તો મારી જિંદગીથી જ બોર થઈ જાઉં. મારી ઓછી હાઇટને કારણે પ્લેનની પાંખ પર પહોંચવામાં થોડીક મુશ્કેલી પડે છે, પણ પાંખ પર ઊભા રહી જાઓ પછી ઉપર હવામાં કોઈ તકલીફ નથી. આના કરતાં તો મેળાના ચગડોળમાં વધુ ડર લાગે.’