✕

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સે માર્યું ભોપાળું: આગની તસવીરને અસલી આગ સમજીને પાણીના ફુવારા છોડવાનું શરૂ કરી દીધું

23 November, 2026 04:22 PM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

મૅન્યુઅલી AI સિસ્ટમને બંધ કરવામાં પણ ખાસ્સી ૧૦ મિનિટ લાગી ગઈ અને ત્યાં સુધીમાં રિસૉર્ટમાં રેસ્ટોરાંની બહારનો હૉલ વગર આગે પાણી-પાણી થઈ ગયો.

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સે માર્યું ભોપાળું

ચીનમાં હવે મૉલ અને રિસૉર્ટ્સમાં ફાયરસેફ્ટીનું કામ પણ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)થી મૉનિટર થાય છે. જોકે ૧૯ નવેમ્બરે ચીનના હેબેઈ પ્રાંતના સ્કી રિસૉર્ટમાં અજીબ ઘટના ઘટી. આ રિસૉર્ટમાં એક ફૂડ-સ્ટૉલની બહાર ડિજિટલ બોર્ડ લાગેલું હતું. એમાં ફૂડ આઇટમો કઈ રીતે બને છે એની વિડિયો-ક્લિપ્સ ચાલી રહી હતી. એવામાં એક ઍનિમેશન દરમ્યાન જાણે કિચનમાં આગનો ભડકો થયો હોય એવું દૃશ્ય આવ્યું. આ દૃશ્ય જોઈને રિસૉર્ટમાં લાગેલી AI સિસ્ટમને લાગ્યું કે એ જગ્યાએ ખરેખર આગ લાગી છે. AI સિસ્ટમે ફાયરબિગ્રેડની સિસ્ટમ ઍક્ટિવેટ કરીને વૉટર-નોઝલ એ બોર્ડ તરફ કરીને જોરદાર પાણીના ફુવારા છોડવા શરૂ કરી દીધા. કેટલાક રિપોર્ટમાં એવો પણ દાવો થઈ રહ્યો છે કે એ રેસ્ટોરાંના કિચનમાં ગરમીને કારણે ગ્રિલ ગરમ થઈ ગઈ હતી એટલે સિસ્ટમ ઍક્ટિવેટ થઈ ગઈ હતી. જોકે પાણી કિચન તરફ છોડવાને બદલે પેલી આગ દર્શાવતી સ્ક્રીન પર જ પડી રહ્યું હતું. મૅન્યુઅલી AI સિસ્ટમને બંધ કરવામાં પણ ખાસ્સી ૧૦ મિનિટ લાગી ગઈ અને ત્યાં સુધીમાં રિસૉર્ટમાં રેસ્ટોરાંની બહારનો હૉલ વગર આગે પાણી-પાણી થઈ ગયો.

china ai artificial intelligence fire incident beijing tech news technology news